બાબુ સોલંકી:- સુખસર
*સુખસર સહિત ફતેપુરા તાલુકામાં કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતામાં ગરકાવ*
*સુખસર-ફતેપુરા તાલુકામાં વરસાદના અભાવે મકાઈ, સોયાબીન જેવા પાકો નિષ્ફળ, કમોસમી વરસાદથી ડાંગરનો તૈયાર પાક પાણીમાં ડૂબતા ખેડૂતોની ચોમાસુ ખેતી નિષ્ફળ*
સુખસર,તા.27
જગતનો તાત મનાતો ખેડૂત પોતાના પરિવાર સહિત દેશની જનતાના પેટ ભરવા માટે રાત દિવસ ખેતીવાડીમાં તનતોડ મહેનત કરી પરસેવો પાડે છે.પરંતુ સ્વાવલંબી બનવા મથતા ખેડૂતના ખેતી પાકો સફળ થાય તો સરકારને શેઠીયા નડતર થાય છે.જ્યારે કુદરત રૂઠે અને ઓછો વધુ વરસાદ થાય ત્યારે ખેડૂતોના ખેતી પાકો નિષ્ફળ જાય છે.ત્યારે ખેડૂતને પોતાના નસીબ ઉપર રડવા સિવાય કોઈ રસ્તો નથી.તેવી જ રીતે ગત ચોમાસાની સિઝનમાં ખેડૂતોને ખેતી પાકોમાં નિષ્ફળતા મળતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાતા ચિંતામાં ગરકાવ થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુખસર સહિત ફતેપુરા તાલુકામાં ગત ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ,ખાતર લાવી પોતાની ખેતીમાં વધુ ઉપજ મેળવવા રાત દિવસ તનતોડ મહેનત કરી હતી.પરંતુ મકાઈ,સોયાબીન જેવા ચોમાસુ પાકો માટે સમયસર પુરતા પ્રમાણમાં પાણી નહીં મળી રહેતા મકાઈ,સોયાબીન જેવા પાકો નિષ્ફળ ગયા છે.જ્યારે હાલ ડાંગરના ખેતી પાકો પાકણીના આરે છે અને મોટાભાગની ડાંગર કાપણી પણ થઈ ચૂકી છે.અને તેવા જ સમયે છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ થતાં ખેતરોમાં ડાંગરનો ઉભો પાક પડી જવા પામ્યો છે.જ્યારે કાપણી કરેલ ડાંગરનો પાક ડૂબી જતા ડાગરના પાકમાં વ્યાપક પણે ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે.ત્યારે મકાઈ, સોયાબીની નિષ્ફળ ખેતીની ભરપાઈ થોડા ઘણા અંશે ડાંગરની ખેતી માંથી વળતર મળી રહેશે તેવી આશા બંધાયેલી હતી.પરંતુ હાલના કમોસમી વરસાદથી તે આશા ઉપર પણ પાણી ફરી વળતાં ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે.સાથે-સાથે મકાઈની રાડ તથા ઘાસ વરસાદના કારણે પલળી જતા ઘાસમાં પણ મોટું નુકસાન પહોચવા પામ્યુ છે.જેથી આવનાર સમયમાં પોતાના પશુઓ માટે ઘાસ ક્યાંથી લાવવુ તે પણ ખેડૂત પશુપાલકો માટે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, ગત ચોમાસા દરમ્યાન સુખસર સહિત ફતેપુરા તાલુકામાં ચોમાસાના પાકો માટે પૂરતા પ્રમાણમાં વરસાદનો અભાવ રહ્યો છે.ત્યારે હાલ નદી,નાળા, તળાવ અને કુવાઓમાં રવિ સિઝનના પાકો માટે પૂરતા પ્રમાણમાં પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે.નદીઓ સુકાવા ને આરે આવી રહી છે.જ્યારે તળાવ અને કુવાઓમાં પણ જરૂરિયાત મુજબ પાણી જોવા મળતું નથી.જેથી રવિ સીજનના પાકો માટે પણ ખેડૂતોને ચિંતા ઉભી થયેલ છે.
આમ,સુખસર-ફતેપુરા તાલુકામાં ચોમાસાના તમામ ખેતી પાકો નિષ્ફળ ગયા છે.જ્યારે રવિ સિઝન માટે પણ ખેડૂતો ચિંતિત છે.ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા ખેતી સહાય મળી રહે તેવી સુખસર તથા ફતેપુરા તાલુકાના ધરતીપુત્રોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
