
દક્ષેશ ચૌહાણ ઝાલોદ
ઝાલોદ એપીએમસી ખાતે ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષ સ્થાને રવિ-કૃષિ મહોત્સવનો થયો શુભારંભ
ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાએ પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવી બાગાયત ક્ષેત્રે અગ્રેસર બનેલા ખેડૂતોની મહેનતને બિરદાવી
ઝાલોદ તા. ૧૪
સમગ્ર ગુજરાતની સાથોસાથ દાહોદ જિલ્લામાં પણ તારીખ ૦૭ ઓકટોમ્બર થી ૧૫ ઓકટોમ્બર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં એપીએમસી ખાતે ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષ સ્થાને રવિ-કૃષિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી હતી.
આ પ્રસંગે ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી જ્યારે મુખ્યમંત્રી તરીકે ગુજરાતની ધુરા સંભાળતા હતા ત્યારે પણ ખેડૂતોની આવક વધે તેમજ ખેડૂતો વધુ સમૃદ્ધ બને તે ચિંતા સાથે તેમણે અનેક યોજનાઓ અમલી કરવા સાથે વર્ષ ૨૦૦૫-૦૬માં કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી.
વડાપ્રધાનશ્રીએ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સહિતની યોજનાઓ થકી કિસાનોને આર્થિક મજબૂતી બક્ષી છે, જેનો લાભ આપણા દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતો પણ લઇ રહ્યા છે. કૃષિ સાથે પશુપાલન પૂરક વ્યવસાય છે ત્યારે પશુપાલન માટે પણ સરકાર સહાય આપી રહી છે. રાજ્ય સરકાર છેક ખેતર સુધી સિંચાઇનુ પાણી પહોંચાડવા કટિબદ્ધ હોવાનું જણાવીને તેમણે પ્રાકૃતિક ખેત પ્દ્ધતિ અપનાવી બાગાયત ક્ષેત્રે અગ્રેસર બનેલા ખેડૂતોની મહેનતને બિરદાવી હતી. આ સાથે તેમણે ઉપસ્થિતોને સ્વદેશી અપનાવવા તથા સ્વદેશીની જ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનશ્રીના વર્ષ ૨૦૪૭ માં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે અત્યારથી દરેક ક્ષેત્રે નાગરિકોને સહયોગ આપવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. જેની મહાનુભાવોએ મુલાકાત લઇને માહિતી મેળવી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી ભાટિયા, ઝાલોદ મામલતદારશ્રી શૈલેન્દ્ર પરમાર, ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કે એચ ગઢવી, ઝાલોદ ખેતીવાડી અધિકારીશ્રી એલ.પી.ખરાડી,પદાધિકારીશ્રીઓ -અધિકારીશ્રીઓ, ગામના આગેવાનો, વડીલો, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.