
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાની ગ્રામ પંચાયતોમાં 2 ઓક્ટોબર 2025 ના રોજ યોજાયેલ ગ્રામસભાની મીટીંગોમાં નોડલ ઓફિસરો જ ગેરહાજર..!*
**તાલુકાની મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં યોજાયેલ ગ્રામસભા માત્ર દેખાવ ખાતર યોજવામાં આવી હોય તેમ તલાટી કમ-મંત્રીની હાજરીથી પૂર્ણ કરી દેવાઇ?*
સુખસર,તા.2
ગ્રામસભા એ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પ્રજાજનોને પડતી મુશ્કેલી સરકાર સુધી પહોંચે અને મુશ્કેલી દૂર કરવામાં આવે તે હેતુથી ગ્રામસભાનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમજ મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના વિચારને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ સાથે 2 ઓક્ટોબર 2025 ના રોજ ગુજરાતના 15 આદિવાસી જિલ્લાના કુલ 4245 ગામોમાં એક સાથે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેવીજ રીતે ફતેપુરા તાલુકાની ગ્રામ પંચાયતોમાં પણ આજરોજ ગ્રામસભાઓ યોજવામાં આવી હતી.પરંતુ તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોને બાદ કરતા જિલ્લા અને તાલુકા કક્ષાના નોડલ અધિકારીઓ ગ્રામસભામાં હાજર નહીં રહી માત્ર નિયમોની પૂર્તતા કરવા માટે જ ગ્રામ સભા યોજવામાં આવી હોય તેવી આજરોજ યોજાયેલ ગ્રામસભાઓની સ્થિતિ જોતા જણાઈ આવ્યું હતું.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં આજરોજ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.અને આ ગ્રામ સભાઓમાં જિલ્લા-તાલુકા ના એક એક અધિકારીની ગ્રામ સભા સ્થળે ફાળવણી કરવામાં આવેલ હતી.પરંતુ તાલુકાના મોટાભાગની ગ્રામ પંચાયતોમાં યોજાયેલ ગ્રામસભામાં તાલુકા-જિલ્લાના નોડલ અધિકારીઓ ફરક્યા ન હતા અને માત્ર તલાટી કમ- મંત્રી તથા ગ્રામજનોએ હાજર રહી ગ્રામસભાનું આયોજન કરી ગ્રામસભા આટોપી લેવામાં આવી હતી.જો કે તલાટી કમ-મંત્રી તથા સરપંચો ગ્રામ પંચાયતોમાં કાયમ હાજર રહેતા હોય છે.જ્યારે ગ્રામજનોના પ્રશ્નો હલ નહીં થાય ત્યારે તેની તાલુકા અથવા જિલ્લા કક્ષાએ રજૂઆતો થતી હોય છે.
જેના અનુસંધાને પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી,શ્રમિક દિવસ 1મે,સ્વાતંત્ર દિવસ 15 ઓગસ્ટ તથા 2 ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે જે-તે ગ્રામ પંચાયતના નાગરિકોને પોતાના ગામ બેઠા રજૂઆત કરી ગ્રામજનોની મુશ્કેલી દૂર કરી શકે તે હેતુથી ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવે છે.અને આ યોજાતી ગ્રામ સભામાં ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા તાલુકા -જિલ્લાના નોડલ અધિકારીઓની હાજરી આવશ્યક હોય છે.પરંતુ આજરોજ ફતેપુરા તાલુકામાં યોજાયેલ ગ્રામ સભામાં નિમણૂક કરેલ નોડલ અધિકારીઓ હાજર રહ્યા ન હતા.ત્યારે માત્ર સરકારના નિયમોની પૂર્તતા કરવા માટે જ આ ગ્રામ સભાઓ યોજવામાં આવી હોય તેમ માત્ર તલાટી કમ-મંત્રીની ઉપસ્થિતિમાં ગ્રામ સભાઓ યોજી ગ્રામ્ય વિસ્તારના લોકોની મુશ્કેલી દૂર કરવા વહીવટી તંત્રોને કોઈ પરવા ન હોય તેમજ પ્રજાની મુશ્કેલીઓ ન જોવી,ન સાંભળવી અને પ્રજાની મુશ્કેલી બાબતે કોઈ જવાબ આપવો પડે નહીં તેવી વહીવટી તંત્રોએ નીતિ અપનાવી હોય તેવી પ્રતીતિ પ્રત્યક્ષ જોવા મળી હતી.
અહીંયા જણાવવું જરૂરી છે કે, ફતેપુરા તાલુકામાં ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવેલ ત્યારે જિલ્લાના એક અને તાલુકાના એક અધિકારી ગ્રામસભા સ્થળે ગ્રામ પંચાયતોમાં ફાળવવામાં આવ્યા હતા. જેના લીધે ગ્રામ પંચાયતોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર પણ રહ્યા હતા.પરંતુ તાલુકા-જિલ્લાના કોઈ અધિકારી જ હાજર ન હોય ત્યારે પ્રજાને પીડતા પ્રશ્નો કોની સમક્ષ રજૂ કરવા?તેવા સવાલ ગ્રામજનોમાં ઉઠવા પામ્યા હતા.એકંદરે સરકાર દ્વારા ગ્રામ સભા યોજવાનો જે ઉદ્દેશ હતો તે ફતેપુરા તાલુકામાં સફળ નહીં થયો હોવાની ચર્ચા સાંભળવા મળે છે.