દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
કંબોઈ ધામ ખાતે ગોવિંદ ગુરુ લીમડી તાલુકો બનવાની ખુશીમાં કાર્યક્રમ યોજાયો
દાહોદ તા. ૨૬
ઝાલોદ તાલુકામાંથી વિભાજિત થઈ નવો ગોવિંદ ગુરુ લીમડી તાલુકાની રચના થતા સમગ્ર આદિવાસી સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ અવસરને યાદગાર બનાવવા માટે કંબોઈ ધામ ખાતે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા.

સાથે જિલ્લા તથા તાલુકા સભ્યો, સરપંચો અને મોટી સંખ્યામાં આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાને ફૂલહાર પહેરાવી તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. ગોવિંદ ગુરુના નામ પરથી તાલુકાની રચનાને આદિવાસી સમાજે ઐતિહાસિક પગલું ગણાવી હર્ષ વ્યક્ત કર્યો હતો. ગોવિંદ ગુરુ લીમડી તાલુકાની રચના માત્ર વહીવટી સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ આદિવાસી સમાજના ગૌરવ, આસ્થા અને ઓળખ સાથે સીધી જોડાયેલી છે. ગોવિંદ ગુરુના સંઘર્ષ અને બલિદાનને યાદ કરતાં લોકોમાં ગર્વ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

આ પ્રસંગે વિવિધ આગેવાનો દ્વારા પણ નવા તાલુકાની રચના બદલ સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગામ-ગામમાંથી મોટી સંખ્યામાં આવેલા લોકોના કારણે કંબોઈ ધામ ખાતે મેળાવડા જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ ગોવિંદ ગુરુ લીમડી તાલુકાની રચનાથી દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં આનંદની લહેર દોડી ગઈ છે અને આવનારા સમયમાં આ તાલુકો વિકાસ અને પ્રગતિ તરફ આગળ વધશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.