
રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદમાં કોંકણ રેલ્વે કોર્પોરેશન લીમીટેડ તરફથી CSR અંતર્ગત કરવામાં આવી રહેલ પ્રસંસનીય કામગીરી માટે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ રાજેશ ભડંગ ડાયરેક્ટર ફાઈનાન્સ ઓફ કોંકણ રેલ્વેનું કર્યું સન્માન*
દાહોદ તા. ૨૩
કોંકણ રેલ્વે કોર્પોરેશન લીમીટેડ એ ભારત સરકારના રેલ મંત્રાલય પ્રશાસનિક નિયંત્રણ અંતર્ગત એક સાર્વજનિક ઉપક્રમ છે. જેનું ક્ષેત્ર મહારાષ્ટ્રના રોહા થી લઈને કર્ણાટકના થોકુર સુધી વિસ્તરેલું છે.
સમાજ અને દેશ પ્રતિ પોતાની જવાબદારી અને પ્રતિબદ્ધતાને વધુ સુદ્રઢ કરવા માટે કોંકણ રેલ્વે કોર્પોરેશન લીમીટેડ ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં પણ સીએસઆર અંતર્ગત દાહોદ જિલ્લાને મદદરૂપ થવાનો સંકલ્પ પરિપૂર્ણ કરેલ છે.
જેમાં કોંકણ રેલ્વે કોર્પોરેશન લીમીટેડ તરફથી દાહોદ જિલ્લાને રૂ. ૩૮,૩૦,૦૦૦ ના ખર્ચની ટીબી એક્સ – રે મોબાઈલ વેન, દાહોદ પડાવ પ્રાથમિક શાળામાં રૂ. ૪,૯૬,૫૦૦ ખર્ચની જીએસટી સાથે ૪૦ x ૪૦ નો લોખંડનો શેડ આપવામાં આવેલ છે. જેથી કરીને મધ્યાહન ભોજન તેમજ અન્ય કાર્યક્રમો કરવા માટે સ્થાન ઉપલબ્ધ થઇ શકે. આમ, કોંકણ રેલ્વે કોર્પોરેશન લીમીટેડ દાહોદ જિલ્લાને મદદરૂપ નીવડશે.
ટીબી એક્સ રે મોબાઈલ વેન દ્વારા દાહોદ જિલ્લાના છેવાડા ના ગામોમાં જઈને ટીબી એક્સ રે કરવામાં આવશે સાથે ભારત સરકારની ટીબી મુક્ત ભારત કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કાર્ય કરશે. આમ, કોંકણ રેલ્વે કોર્પોરેશન લીમીટેડ દાહોદ જિલ્લામાં કામગીરી કરશે. દાહોદમાં કરવામાં આવી રહેલ વિશિષ્ટ કામગીરી બદલ દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા બુકે આપીને રાજેશ ભડંગ ડાયરેક્ટર ફાઈનાન્સ ઓફ કોંકણ રેલ્વેનું સન્માન કરવામાં આવ્યું હતું.
૦૦૦