રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં 52 શાળાઓ પર શિક્ષણ વિભાગની કાર્યવાહી: સ્માર્ટ એટેન્ડન્સ એપમાં હાજરી ન નોંધવા બદલ નોટિસ,
43 ખાનગી સહિત અન્ય શાળાઓને સ્પષ્ટીકરણનો આદેશ
દાહોદ તા.23
દાહોદ જિલ્લાના શિક્ષણ વિભાગે સ્માર્ટ એટેન્ડન્સ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ન નોંધવા બદલ 52 શાળાઓને નોટિસ પાઠવી છે. આ શાળાઓમાં 43 ખાનગી શાળાઓ, 6 ટ્રાયબલ આશ્રમશાળાઓ અને 3 કેન્દ્રીય શાળાઓનો સમાવેશ થાય છે.
શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે હાજરી નોંધણીમાં બેદરકારીથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ પર અસર પડી રહી છે. સ્માર્ટ એટેન્ડન્સ એપ્લિકેશનમાં હાજરી નોંધણી વિદ્યાર્થીઓની પ્રગતિ અને શિક્ષકોની કામગીરીના મૂલ્યાંકન માટે મહત્વપૂર્ણ છે.
હાજરી ન નોંધાવવાથી વિદ્યાર્થીઓને મધ્યાન્હ ભોજન, સ્કોલરશીપ અને પાઠ્યપુસ્તકો જેવી સરકારી સુવિધાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને તાત્કાલિક સ્પષ્ટીકરણ આપવા જણાવ્યું છે. શિક્ષણ વિભાગે ચેતવણી આપી છે કે યોગ્ય કારણો સાથે સ્પષ્ટીકરણ ન આપનાર શાળાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ નોટિસથી શાળા સંચાલકોમાં ચિંતાનું વાતાવરણ છે. સંચાલકો હવે નિયમોનું પાલન કરવા તાત્કાલિક પગલાં લઈ રહ્યા છે.
