
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ તાલુકાના પેથાપુરમાં MGVCLનો દરોડો ઘરે ઘરે ચેકિંગથી વીજ ચોરોમાં ફફડાટ
દાહોદ તા. ૨૦
ઝાલોદ તાલુકાના પેથાપુરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની વિજિલન્સ ટીમે વીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. ટીમે પ્રથમ દિવસે જ શંકાસ્પદ લાગતા 3 જેટલા મીટરોને કાઢી લઈ લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે જેમાં મોટા પાયે વીજચોરી થયેલ હોય તેવી શંકા સેવાઈ રહી છે
MGVCLની વિજિલન્સ ટીમે પેથાપુરમાં ઘરે ઘરે અને શંકાસ્પદ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ દરમિયાન વીજ મીટરોમાં ગેરરીતિ, ગેરકાયદેસર કનેક્શન અને અનધિકૃત વીજ વપરાશના અનેક કિસ્સાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
એમજીવીસીએલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ વીજ ચોરી ઝડપાવાની શક્યતા છે. ટીમ દ્વારા રહેણાંક વિસ્તારો સહિતના શંકાસ્પદ સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે.અધિકારીઓએ ચેતવણી આપી છે કે વીજ ચોરીના દરેક કેસમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ અને કાનૂની પગલાંનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી વીજ ચોરી અટકાવવા અને પારદર્શક વીજ વિતરણ સુનિશ્ચિત કરવા માટેનું એક મહત્વનું પગલું છે