રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કતવારા ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્ય શિબિર યોજાઈ*
દાહોદ તા. ૧૯
દાહોદ જિલ્લામાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કતવારા ખાતે કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કુલ 378 લાભાર્થીઓએ આરોગ્ય સેવા મેળવી હતી.
આ આરોગ્ય શિબિર અંતર્ગત વિવિધ રોગોની તપાસ અને નિદાન કરવામાં આવ્યા, જેમાં મુખ્યત્વે નીચે મુજબની આરોગ્ય ચકાસણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
– હાઇપરટેન્શન (ઉંચા બ્લડપ્રેશર): 61 લાભાર્થીઓ
– ડાયાબિટીસ: 50 લોકોના બ્લડ શુગર ટેસ્ટ
– ઓરલ કેન્સર સ્ક્રિનિંગ: 72 વ્યક્તિઓ
– સિકલ સેલ એનિમિયા ટેસ્ટ: 13 ટેસ્ટ
– ટી.બી. ચકાસણી: મોબાઇલ એક્સ-રે વાન દ્વારા 160 લોકોને એક્સ-રે
– લેબોરેટરી તપાસો: જરૂર જણાતા 43 લોકોને લેબ ટેસ્ટ
આ શિબિર દરમિયાન ઝાયડસ મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને ગર્ભવતી અને ધાત્રી મહિલાઓને યોગ્ય આરોગ્ય માર્ગદર્શન આપાયું, જેથી માતા અને બાળના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકાય.
અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓના આરોગ્યમાં સુધારો લાવી તેમના પરિવારોને વધુ સશક્ત અને આરોગ્યદાયક બનાવવાનો છે. સ્ત્રીઓનું આરોગ્ય મજબૂત હશે ત્યારે જ સમગ્ર પરિવાર સ્વસ્થ અને સુખી રહી શકે – એ અભિગમ હેઠળ આ અભિયાન અમલમાં મૂકાયું છે.
૦૦૦