
રાજેશ વસાવે :- દાહોદ
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનો ભેજાબાજ સુરત થી ઝડપાયો.
દાહોદમાં નકલી જજ રોફ જમાવતો યુવક પોલીસના સકંજામાં: પોલીસે અસલી જજ સામે રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા..
અગાઉ instagram આઈડી મારફતે નકલી વકીલ બન્યો હોવાનો પણ ખુલાસો.
દાહોદ તા.18
દાહોદ જિલ્લાના ડોકી ખાતે એક યુવકે પોતાને જજ તરીકે ઓળખાવી પેટ્રોલ પંપના માલિકને ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 12 સપ્ટેમ્બરના રોજ બની હતી. પોલીસે ટેકનિકલ તપાસ અને હ્યુમન સોર્સના આધારે બનાસકાંઠાના અલ્પેશ ગલ્ચરને સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. દાહોદની કોર્ટે આરોપીના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા छे.
ઘટનાની વિગતો મુજબ, 12 સપ્ટેમ્બરે અલ્પેશ ગલ્ચર ડોકીના એક પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો. તેણે પોતાને “વાઘેલા જજ” તરીકે રજૂ કર્યો અને પંપના માલિક વિશે પૂછપરછ કરી. તેણે માલિકનો કેસ પોતાના હાથમાં હોવાનો અને ફાયદો કરાવી આપવાનો દાવો કરીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.પેટ્રોલ પંપના કર્મચારીઓએ સતર્કતા દાખવી માલિકને જાણ કરી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ જજ નહોતો. આથી, દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીની ઓળખ બનાસકાંઠાના આસારાવાસ ગામના અલ્પેશ ગલ્ચર તરીકે કરી. તે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયેલો હતો, જ્યાંથી દાહોદ પોલીસે તેની ધરપકડ કરી.પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
અલ્પેશના મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસમાં સામે આવ્યું કે તેણે અગાઉ પણ અનેક લોકોને વકીલ કે સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હતી. તે લોકોને પોતાની વાતોમાં ફસાવી, વિશ્વાસ જીતીને ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરતો હતો.આરોપીને દાહોદની કોર્ટમાં રજૂ કરાતાં તેના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે. હાલ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં અલ્પેશે અગાઉ કઈ-કઈ જગ્યાએ અને કયા ગેરલાભ મેળવ્યા તેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.