
રાજેશ વસાવે :- દાહોદ
સ્માર્ટ સિટીમાં રખડતા ઢોરોનો વધતો ત્રાસ માનવજાત માટે જોખમી.!
દાહોદના બિરસા મુંડા સર્કલ પર બે આખલાઓ બાખડયા: એક યુવતી ઇજાગ્રસ્ત..
દાહોદ તા.૧૮
દાહોદ શહેરમાં આખલાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધવા પામ્યો છે ત્યારે દાહોદ શહેરના બિરસા મુંડા સર્કલ પર બે આંખલાઓ બાખડયા હતા. દરમિયાન આખલાઓના યુદ્ધમાં એક યુવતીને અડફેટે લેતા યુવતીના માથાના ભાગે યુવતીને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિ દિન વધવા પામ્યો છે. જ્યાં જુઓ ત્યાં જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. તેમાંએ ખાસ કરીને આખલાઓ જાહેરમાં બાખડતા રોજેરોજ નજરે પડી રહ્યા છે.ભૂતકાળમાં આવા રખડતા પશુઓને પગલે અને જાહેરમાં યુદ્ધ કરતા આવા પશુઓના કારણે કેટલાક વ્યક્તિઓને શરીરે ઇજાઓ પણ પહોંચી હતી.અને એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું. ત્યારે આવા રખડતા પશુઓને પાંજરે પુરવાની કાર્યવાહી દાહોદ નગરપાલિકા તંત્ર દ્વારા ક્યારે કરવામાં આવશે ? તેવા અનેક પ્રશ્નો પણ દાહોદ શહેરવાસીઓમાં ઉઠવા પામ્યા છે.દાહોદ શહેરના બિરસા મુંડા સર્કલ પર બે આખલાઓ જાહેરમાં બાખડતા વિસ્તારમાં અને અહીંથી આવતા જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ત્યારે તે સમયે ત્યાંથી પસાર થતી વર્ષાબેન પરમાર રહેવાસી દસલા તેઓ લીમડી ખાતે પંચામૃત ડેરીમાં નોકરી કરવા જઈ રહ્યા હતા. દરમિયાન શહેરના બિરસા મુંડા ચોક પર જાહેરમાં બાખડતા આખલાઓએ વર્ષાબેનને અડફેટમાં લેતા વર્ષાબેનના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.દરમિયાન લોકોના ટોળા ભેગા થતા ઇજાગ્રસ્ત વર્ષાબેનને સ્થાનિકો દ્વારા દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી. જાત તેઓ હાલ સારવાર હેઠળ છે. નોંધનીય બાબત છે કે અવારનવાર દાહોદ શહેરમાં આવા જાહેરમાં બાખડતા પશુઓને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આવા જાહેર રસ્તાઓ ઉપર રખડતા પશુઓને ક્યારેય પાંજરે પુરવાની કાર્યવાહી કરશે? તે પણ એક પ્રશ્ન છે.