
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના નવાગામ પાસે બંદૂકની અણીએ બાઇક સવાર માતા-પુત્ર સાથે લૂંટ.!
બાઈક સવાર ત્રણ લૂંટારૂઓએ ચલાવી લૂંટ: મધ્યપ્રદેશના બાઈક સવાર પાસેથી દાગીના તેમજ 2500 ની લૂંટયા.
કતવારા પોલીસે બનાવો સંદર્ભે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી.
દાહોદ તા.૧૮
દાહોદ તાલુકાના નવાગામ ખાતે એક મહિલા જોડે બંદુકની અણીએ લુંટની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા પોતાના દિકરા સાથે મોટરસાઈકલ પર સવાર થઈ જઈ રહ્યાં હતાં ત્યારે ત્રણ અજાણ્યા લુંટારૂઓએ મહિલાના ગળાની સોનાની ચેઈન તેમજ કાનની બુટ્ટીઓની ધોળે દિવસે સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
મધ્યપ્રદેશના રંભાપુર ગામેથી દાહોદ હોસ્પિટલ જતાં માતા-પુત્ર બંન્ને એક મોટરસાઈકલ પર સવાર થઈ દાહોદના નવાગામ તરફથી આજરોજ બપોરના સમયે પસાર થઈ રહ્યાં હતાં તે સમયે રસ્તામાં ત્રણ અજાણ્યા લુંટારૂઓએ માતા-પુત્રની મોટરસાઈકલ ઉભી રખાવી બંદુક બતાવી, મારી નાંખવાની ધાકધમકીઓ આપી સનુબેનને ગળામાં પહેરી રાખેલ સોનાની ચેઈન તેમજ સોનાની કાનની બુટ્ટીઓ લુંટારૂઓ લઈ ફરાર થઈ ગયાં હતાં. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં સ્થાનીક પોલીસ તેમજ ડીવાયએસપી, એસઓજી પોલીસ, એલસીબી પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લુંટારૂઓને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. અત્રે નોંધનીય બાબત છે કે આ જ જગ્યાએ થોડા દિવસ અગાઉ પણ બાઈક સવાર લૂંટારૂઓએ લૂંટની ઘટનાને અંજામ આપી હતી જેની તપાસ હજી પણ પોલીસ કરી રહી છે. ત્યારે વધુ એક લૂંટની ઘટનાથી આ વિસ્તારમાં ભયની સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જોકે સમાચાર લખાય છે ત્યાં સુધી હાલ આ બનાવ સંદર્ભે કતવારા પોલીસ મથકે ફયા દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.