રાજેશ વસાવે :- દાહોદ
જવાબદાર તંત્ર સૂતેલું,રસ્તાના ખાડા પોલીસએ પૂર્યાં: ઝાલોદ પોલીસનું માનવતાભર્યું કામ.!
“માર્ગ મરામતના કામમાં બેદરકારી દાખવતા વિભાગો સામે ઉઠ્યા સવાલ
રાહદારીઓ અને વાહન ચાલકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી
દાહોદ તા. 12

ઝાલોદ થી બાસવાડા નેશનલ હાઇવે ઉપર આવેલ ધાવડીયા ચેકપોસ્ટ રોડ ઉપર પોલીસે ખાડા પૂર્યા હતા

ઝાલોદ થી બાસવાડા નેશનલ હાઇવે રોડ બિસ્માર હાલત થતાં અવારનવાર અકસ્માતો થતા હોય છે ત્યારે માર્ગ ઉપર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી સંલગ્ન જવાબદારોએ નહીં નિભાવતાં આખરે ઝાલોદ પોલીસ દ્વારા વાહન અકસ્માત તથા જાનહાની થતી અટકાવવા સારું સામાજિક ભાવના સાથે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે. ઝાલોદ પોલીસ દ્વારા ખાડા પુરવામાં આવતાં રાહદારીઓ અને વાહન ચાલકોએ પોલીસની કામગીરીને બિરદાવી સાથે અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ ઉપર પડેલા મોટા ખાડાઓને લઈ અહીં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ઉપરાંત અવારનવાર અકસ્માતો થતા હોય છે જે બાબતને ગંભીરતા પૂર્વક લઈ દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા નાઓની સુચના અને માર્ગદર્શન ઝાલોદ ડિવિઝન નાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી આર પટેલ દ્વારા પીઆઇ શ્રી આર જે ગામીત અને પીએસઆઇ શ્રી આર વી રાઠોડ દ્વારા ઘાવડીયા ચેકપોસ્ટ માર્ગ ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી નો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
આ બિસ્માર માર્ગના કારણે આજ દિન સુધીમાં કેટલાય દ્વિચક્રી વાહન ચાલકો ખાડામાં પટકાવવાની ઘટનાઓ પણ બની ચૂકી છે. વધુમાં ઝાલોદ થી બાસવાડા નેશનલ હાઇવે હોવાથી મોટા વાહનોની અવરજવર રહેતી હોય છે તેવામાં રોડ ઉપર મોટા ખાડાના કારણે અકસ્માતો થતા હોય છે જેથી પોલીસ દ્વારા ટ્રેકટરો માંજ વેસ્ટ મટીરીયલ ભરી લાવ્યા બાદ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ અહીં માર્ગ ઉપર પડેલા ખાડા પૂરવાને શરૂઆત કરતાં જ અહીંથી પસાર થતાં રાહદારીઓને વાહન ચાલકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.