
રાજેશ વસાવે :- દાહોદ
*કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને અવંતિકા રિસોર્ટ ખાતે ખાનગી IMA તબીબો માટે આરોગ્ય પ્રોગ્રામ અને આધુનિક સેવાઓ બાબતે સીએમઈ યોજાઈ*
*પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY અંતર્ગત વધુ ને વધુ પ્રાઇવેટ ડૉકટર્સ આ યોજનામાં જોડાય અને તેનો લાભ દાહોદની જનતાને મળે તે અંગે ચર્ચા કરાઈ*
દાહોદ. તા. ૧૧
દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા અવંતિકા રિસોર્ટ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવતની ઉપસ્થિતિ હેઠળ દાહોદ જીલ્લાના પ્રાઈવેટ તબીબો સાથે આરોગ્યના વિવિધ પ્રોગ્રામ અંગે આધુનિક સેવાઓ બાબતે CME યોજવામાં આવી હતી.
આ CME માં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પ્રાઇવેટ તબીબો તમામ અધિક્ષકશ્રી અને તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીને ૧૭ મી સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ અભિયાનના ભાગરૂપે દાહોદ જિલ્લામાં આરોગ્ય શિબિરનું આયોજન કરવા અને મહિલાઓને નિષ્ણાત સેવાઓ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આ શિબિર રાખી શકાય તે માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી રોગ અંગે આધુનિક સેવાઓ બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ટીબી કાર્યક્રમમાં હાલમાં વનરેબલ પોપ્યુલેશન (જોખમી સમૂહ)ની શોધ કરી તમામના એક્સ રે કરવામાં આવી રહ્યા છે. અને સક્રિય રીતે કામગીરી હાથ ધરી એક્સ રે એબ્નૉર્મલ આવશે, તે તમામની NAAT કરવામાં આવશે.
આ અભિયાનમાં આવનાર સમયમાં બે લાખ લોકોના એક્સરે કરવામાં આવશે. જેના માટે પ્રાઇવેટ રેડિયોલોજિસ્ટનો પણ સહકાર આ અભિયાનમાં મળી રહે તે માટે વિનંતી કરવામાં આવી હતી.
પ્રાઇવેટ તબીબો દ્વારા ટીબી નોટિફિકેશન સેમ ડે થાય તથા તમામ દર્દીઓની NAAT થાય અને દર્દીઓને તેમના નિદાન મુજબ સારવાર મળી રહે તે માટે પ્રાઇવેટમાં આવતા દર્દીઓની સંપૂર્ણ વિગત લેવામાં આવે જેથી કરીને દર્દીને સરકારશ્રીની નિક્ષય પોષણ યોજનાનો લાભ મળી રહે તેમજ તમામ પ્રાઇવેટ તબીબો નિક્ષય મિત્ર બનીને પોષક કીટ આપી તેમનો ઉમદા સહયોગ આપવા જણાવ્યું હતું.
રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ૪૦ વર્ષથી ઉપરની તમામ વ્યક્તિનું આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને સ્ક્રીનીંગ કરવામાં આવશે. જેમાં ૨૦ ફૂટ દૂરથી આંખો અંગે તપાસ કરવામાં આવશે. RCH પ્રોગ્રામ અન્વયે ANC સર્વિસ ડીલિવરી સર્વિસ અન્વયે જે સંસ્થાઓ ખાતે ANC તપાસ અને ડિલિવરી થાય છે, તે તમામ પ્રાઇવેટ તબીબો એ ટેકો સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની રહેશે.
ભારત સરકારના જન્મ-મરણ અંગે જન્મ મરણની એન્ટ્રી જે તે સંસ્થાઓ કરવામાં આવશે. રાજ્યમાં જન્મ-મરણની નોંધણી તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫ થી હવે ભારત સરકારના CRS પોર્ટલ પર કરવાની રહેશે. અત્યાર સુધી રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E ઓળખ એપ્લિકેશન પર કરવામાં આવતી હતી, તે હવે CRS પોર્ટલ પર કરવામાં આવશે તે અંગે માહિતી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY અંતર્ગત વધુ ને વધુ પ્રાઇવેટ ડૉકટર્સ આ યોજનામાં જોડાય અને તેનો લાભ દાહોદની જનતાને મળે તે અંગે માહિતી આપવામાં આવી હતી.
આ દરમ્યાન જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પ્રાઇવેટ ડોક્ટર્સને આપણે સાથે મળીને દાહોદ જિલ્લા માટે કામગીરી કરવા માટે અને મેડિકલ હબ બનાવવા માટે જે પણ મદદની જરૂર પડે તે માટે તંત્ર પણ આપની પડખે હોવાનું જણાવ્યું હતું.
એમણે જણાવ્યું કે, માતા અને બાળ સ્વાસ્થ્ય માટે આપણે વધુને વધુ કામ કરી દાહોદ જિલ્લામાં સિકલ સેલ એનિમિયાનું પ્રમાણ વધારે છે એની સાથે મળીને પ્રચાર-પ્રસાર અને જાગૃતિની કામગીરી કરી લોકોમાં રોગો બાબતે જે ડર રહેલો છે તેને દુર કરવા જણાવ્યું હતું. સરકાર તો કામગીરી કરી રહી છે પણ પ્રાઇવેટ ડોક્ટરનું આમાં સવિશેષ યોગદાન અગત્યનું હોઈ સાથ સહકારની અપીલ કરી.
દાહોદ જીલ્લો આદિવાસી અને બોર્ડર જીલ્લો છે દાહોદમાં અન્ય જિ લ્લા અને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તો દાહોદમાં જ પીપીપી મોડેલ આધારિત સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો બને તો વધુને વધુ લાભાર્થીઓને આરોગ્ય સેવાનો લાભ મળે તે અંગે સૂચન કરવામાં આવ્યું.
આ સંદર્ભે કલેક્ટરશ્રીએ વહીવટી તંત્ર અને ખાનગી ડોક્ટર્સ વચ્ચે કામગીરી ને લઈને તાદાત્મ્ય વધે તે માટે cme દર ૩ મહીને કરવા સુચન કર્યું અને ખાનગી તબીબોને પડતી તકલીફો વિશે પૃચ્છા કરી તેના નિરાકરણ માટે વહીવટી તંત્ર સાથે રહી નિરાકરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ CME માં IMA પ્રમુખ ડૉ. ભરત શુકલા, IMA સેક્રેટરી ડૉ. પ્રશાંત વસૈયા, સીનીયર પ્રાઇવેટ ડૉ. બી. કે. પટેલ સહિતના પ્રાઇવેટ ડૉકટર્સ અને આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી, RCHO, QAMO, અધિક્ષકશ્રી તમામ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી તમામ, મેલેરીયા અધિકારીશ્રી અને અન્ય આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.
૦૦૦