રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં સનસનીખેજ બનાવ:પુત્રે જીવીત પિતાને ‘મૃત’ બતાવી મરણ પ્રમાણપત્ર મેળવ્યુ.!
પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
દાહોદ તા.06
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં એક ચોંકાવનારો અને સમાજને હચમચાવી નાખે એવો બનાવ બહાર આવ્યો છે. જેમાં પુત્રે પોતાના જ પિતાને જીવીત હોવા છતાં કુદરતી મૃત્યુ થયાનું દર્શાવી ખોટું મરણ પ્રમાણપત્ર મેળવી લીધું હતું. જે બનાવ પ્રકાશમાં આવતા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવ સંબંધી સમગ્ર પંથકમાં ચકચાર સાથે સ્તબ્દતા છવાઈ જવા પામી છે

માહિતી મુજબ, દેવગઢ બારીઆ ધાનપુર રોડ પર રહેતા નરેશભાઈ રાયસિંગભાઈ બારીઆ એ પોતાના પિતાનું અવસાન થયું હોવાનું દર્શાવી મરણ નોંધણી માટે નગરપાલિકા સબ રજીસ્ટ્રાર કચેરીમાં અરજી કરી હતી. અરજીના આધારે અધિકારીઓએ મરણપ્રમાણપત્ર આપી દીધું હતું.પરંતુ અવિશ્વસનીય પરિસ્થિતિ એ બની કે મૃત જાહેર કરાયેલા પિતા પોતાના જ ઘરે બેઠા હતા. તેમને પોતાનું જ મરણ પ્રમાણપત્ર નજરે પડતાં આશ્ચર્ય સાથે સાથે આઘાત અનુભવ્યો.
હતો.અને તાત્કાલિક તેમણે નગરપાલિકા સબ રજીસ્ટ્રારને લેખિત અરજી આપી, સત્ય પરિસ્થિતિ જણાવી હતી. જે બાદ અરજી પ્રાપ્ત થતાં જ નગરપાલિકાના જન્મ-મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક નીરજભાઈ સથવારાએ સમગ્ર મામલો સબ રજીસ્ટ્રાર રવિન્દ્રસિંહ રાઠોડ ને અવગત કરાવ્યો હતો.અને બાદમાં સબ રજીસ્ટ્રારશ્રીના માર્ગદર્શન હેઠળ સ્થળ તપાસણી હાથ ધરવામાં આવી. તપાસમાં સ્પષ્ટ થયું કે મૃત જાહેર કરાયેલ વ્યક્તિ હકીકતમાં જીવિત છે અને પુત્રે ખોટી માહિતી આપી પ્રમાણપત્ર મેળવ્યું હતું.આ મામલો માત્ર એક ખોટી નોંધણી નથી, પરંતુ સમાજમાં ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જન્મ અને મૃત્યુ જેવી સંવેદનશીલ અને કાનૂની માન્યતા ધરાવતી પ્રક્રિયામાં ખોટી વિગતો આપી પ્રમાણપત્ર મેળવવું એ કાયદાની નજરે ગંભીર ગુનો ગણાય છે.પરિણામે સબ રજીસ્ટ્રારશ્રીએ દેવગઢ બારીઆ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં અરજી કરી છે. પોલીસે નરેશભાઈ બારીઆ સામે ગુનાહિત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.સ્થાનિક સ્તરે આ બનાવે ભારે ચર્ચા જગાવી છે. લોકોમાં પ્રશ્નો ઊભા થયા છે કે – “આવી ખોટી નોંધણી કેવી રીતે થઈ શકે?”, “સિસ્ટમની ચકાસણી પ્રક્રિયા કેટલી કડક છે?”, અને “શું અન્ય કિસ્સાઓમાં પણ આવો દુરુપયોગ થયો હશે?”કેટલાક કાયદાકીય તજજ્ઞોના જણાવ્યા મુજબ, આ બનાવ ફક્ત એક પરિવારનો નથી, પરંતુ સમાજમાં વિશ્વાસ અને તંત્રની વિશ્વસનીયતા પર ઘા કરનાર છે.