
નાળું તૂટતાં ત્રણ ગામના બાળકોનું શિક્ષણ ખોરંભે પડ્યું.!
લીમખેડાના વડેલા, પાણીયા અને પ્રતાપપુરાના 35થી વધુ વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી
દાહોદ તા.07
લીમખેડા તાલુકાના વડેલા, પાણીયા અને પ્રતાપપુરા ગામોની સીમ પર આવેલું નાળું ધોવાણને કારણે તૂટી ગયું છે. આ નાળું પાણીયા મુખ્ય શાળા અને પ્રતાપપુરા વર્ગ શાળા જતા વિદ્યાર્થીઓના મુખ્ય માર્ગમાં આવે છે. સતત વરસાદ અને નાળામાં વહેતા પાણીના કારણે વાલીઓ બાળકોને શાળાએ મોકલવામાં ડર અનુભવે છે.પાણીયા મુખ્ય શાળામાં વડેલા અને પાણીયાના વેડ ફળિયાના આશરે 35 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રતાપપુરા વર્ગ શાળામાં ધોરણ 1થી 5ના નાના બાળકો અભ્યાસ કરે છે. નાળું તૂટેલું હોવાથી બાળકો માટે તે ઓળંગવું જોખમી બન્યું છે.ટ્રાન્સપોર્ટની સુવિધા હોવા છતાં, વાહન નાળાને કારણે ગામ સુધી પહોંચી શકતું નથી. બાળકોને નાળું ઓળંગીને વાહન સુધી જવું પડે છે. નાળું એક વર્ષ પહેલાં તૂટ્યું હતું. ગામલોકોએ વહીવટી તંત્ર અને ચૂંટાયેલા નેતાઓને અનેક વખત રજૂઆત કરી છે. તંત્ર દ્વારા નાળાની માપણી કરવામાં આવી, પરંતુ કામ આગળ વધ્યું નથી. જોકે પાણીયા મુખ્ય શાળાના શિક્ષક મોહનભાઈ આચાર્યના જણાવ્યા મુજબ, નાળાની ખરાબ હાલતને કારણે ટ્રાન્સપોર્ટ વાહન ગામ સુધી જઈ શકતું નથી. આના કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. શિક્ષકો અને વાલીઓ બાળકોના શિક્ષણ અને સલામતીને લઈને ચિંતિત છે. ગામલોકોની માગ છે કે તંત્ર તાત્કાલિક નાળાનું સમારકામ કરે.