રાજેશ વસાવે :- દાહોદ
મેહુલિયો મહેરબાન: દાહોદ જિલ્લો પાણીથી તરબોળ, જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો.!
દાહોદ- બાંસવાડા (રાજસ્થાન) ને જોડતા NH -56 પર પાણી ભરાયા, મુવાલિયા તળાવ ઓવરફ્લો.
માનગઢ- ભમરીને જોડતો સિંગલપટ્ટી રસ્તો ધોવાયો, અવર-જવર બંધ,ચાકલિયા અંડરપાસમાં પાણી ભરાયા
દાહોદ તા. ૭
દાહોદ જિલ્લામાં ભાદરવો ભરપૂર રહેતા સમગ્ર પંથક પાણી પાણી જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા ચાર-પાંચ દિવસથી દાહોદ જિલ્લામાં મેહુલિયો મન મૂકીને વરસતા જિલ્લાના સાતેય ડેમો તેમની પૂર્ણ સપાટીથી ઓવરફ્લો થતાં સિંચાઈ અને પીવાના પ્રાણીનો પ્રશ્ન કુદરતે જ હલ કરી દીધો હોય તેમ જોવાઈ રહ્યું છે. સાથે જ પંથકમાં પડી રહેલા ધોધમાર વરસાદથી નુકસાની પણ સામે આવી રહી છે. સાથે જ કાચા મકાનો પણ ધરાશાય થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ગત અઠવાડિયામાં બે કાચા મકાન ધરાશાયી થતા બે લોકોના મોત થયા હોવાના પણ સામે આવ્યા છે. એટલું જ નહીં જિલ્લાની નદી નાળા તળાવ અને કોતરોમાં પાણીના તીવ્ર પ્રવાહમાં નાળા , અને રસ્તા પણ ધોવાઈ જવા પામ્યા છે. દાહોદ જિલ્લામાં સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં ફતેપુરામાં 19 ઝાલોદમાં 33, લીમખેડામાં 9 દાહોદમાં 27 ગરબાડામાં 31 ધાનપુરમાં 7 દેવગઢબારિયામાં 13, સંજેલીમાં 15 તેમાં સીંગવાડમાં 20 મી.મી વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસ ઓરેન્જ અલેટ જાહેર કરવામાં આવ્યું હતું.જે બાદથી દાહોદ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
*ગોદીરોડને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા.*
દાહોદમાં ગોદી રોડ અને ચાકલિયા રોડને જોડતો રેલવે અંડરપાસ શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહ્યો છે. આ અંડર પાસમાં બારેમાસ પાણી ભરાયેલા રહે છે ત્યારે હાલ છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી આજે સવારે અન્ડર પાસમાં પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી.
*ખખડધજ બનેલો NH -56 પર પાણી ભરાયા, વાહન ચાલકો મુશ્કેલીમાં.*
દાહોદ જિલ્લામાં વરસાદી માહોલમાં પહેલેથી જ ઝાલોદ રાજસ્થાનને જોડતા નેશનલ હાઇવે 56 પર મસ મોટા ગાબડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે ગતરોજ મધરાતે પડેલા વરસાદથી ઝાલોદ બાસવાડા વચ્ચે નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. ખાસ કરીને દ્વિચક્રી વાહનો તેમજ સ્થાનિક રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી વધી જવા પામી છે.
*દાહોદ જિલ્લાના સાતેય ડેમો ઓવરફ્લો, મુવાલિયા તળાવ છલોછલ.*
દાહોદ જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણી માટે જીવા દોરી ગણાતા જિલ્લાના સાતેય ડેમો ઓવરફ્લો થઈ જવા પામ્યા છે. આ પહેલા વરસાદના પહેલા બીજા રાઉન્ડમાં કાળી ટુ, હડફ, અદલવાડા ઉમરીયાડેમ તેમજ કબૂતરી ડેમ ઓવરફ્લો થયા હતા. જ્યારે છેલ્લા રાઉન્ડમાં માછળનાળા,પાટાડુંગરી ઓવરફ્લો થયા હતા.જોકે વાલકેશ્વર ડેમ 80% ભરાયું હતું જે આજે સંપૂર્ણપણે ભરાઈ જવા પામ્યો છે.
*માનગઢ- ઘૂમરી સિંગલ પટ્ટી માર્ગ ધોવાયો, અવર-જવર બંધ.*
વરસાદી માહોલમાં
માનગઢ થી સંતરામપુર ને જોડતો ઘૂમરી સિંગલ પટ્ટી હાઇવેનો એક ભાગ પાણીમાં ધોવાઈ જતા મોટું ગાબડું પડ્યું હતુ. જેને પગલે બંને તરફની અવર-જવર બંધ થઈ છે. તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે બેરીકેટિંગ લગાવી માર્ગ બંધ કર્યો છે.