
બાબુ સોલંકી :- સુખસર
*૭૬ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ – ૨૦૨૫ – દાહોદ*
*જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલ,ફતેપુરા ખાતે યોજાયો*
*વન મહોત્સવની ઉજવણી નિમિતે જૂથ નર્સરી, વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજના સહિત લાભોના વિતરણ તેમજ પ્રશસ્તિ પત્ર વિતરણ કરાયું*
*આપણે સૌએ ભેગા મળીને વન વિભાગ તરફથી મળતી સહાયનો લાભ મેળવી દાહોદની ધરતીને વધુ હરિયાળી બનાવીએ:જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર*
સુખસર,તા.૨
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ” એક પેડ મા કે નામ ” અંતર્ગત ” આવો સૌ પર્યાવરણના જતન થકી રાષ્ટ્ર્ર વિકાસમાં સહભાગી થઈએ”થીમ હેઠળ આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લાના ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
” વૃક્ષ એક – આશા અનેક ” ભારતીય સંસ્કૃતિમાં છોડને રણછોડ તરીકે માનવામાં આવે છે.હવા,પાણી અને જમીનનું પ્રદૂષણ,ભૂગર્ભ તળ ઊંડા જવા,અનિયમિત વરસાદ, પાણીની અછત અને ગરમીમાં વધારો જેવી કુદરતી આફતો પરિબળો પર્યાવરણ સામેના પડકારો છે.સરકાર દ્વારા યોજવામાં આવતો “વન મહોત્સવ” એક એવો કાર્યક્રમ છે,જે વૈશ્વિક પર્યાવરણની સમસ્યાને નાથવા માટે શરૂ કરવામાં આવ્યો છે. સરકારશ્રીના વન વિભાગ વૃક્ષો,વન્ય જીવો અને પ્રકૃતિ માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યો છે.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોરે કહ્યું હતું કે,વૃક્ષો એ આપણા જીવન સાથે વણાયેલા છે.આપણા દાહોદના આદિવાસી ખેડૂતો વાર-તહેવારે કે પ્રસંગોમાં વર્ષોથી વૃક્ષોની પૂજા કરતા આવ્યા છે.વૃક્ષોનું જતન કરી એની જાળવણી કરવી એ આદિવાસી ખેડૂતોની પ્રથમ ફરજ છે. આદિવાસીઓ માટે સરકારશ્રીએ અનેકો યોજનાઓ થકી ખેડૂતોની તમામ પ્રકારે મદદ કરવા માટે તત્પર રહી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દાહોદના તમામ ખેડૂત ભાઈઓ-બહેનો પોતાના ખેતરો ફરતે ઓછામાં ઓછા ૧૦ વૃક્ષો વાવીને તેનું જતન કરે તે જરૂરી છે. એ માટે તમને જોઈએ એવા વૃક્ષો આપવા માટે સરકારશ્રીનો વન વિભાગ સદાય તત્પર રહ્યો છે. આપણે સૌએ ભેગા મળીને વન વિભાગ તરફથી મળતી આ સહાયનો લાભ મેળવી દાહોદની ધરતીને હજી વધુ હરિયાળી બનાવવાની છે.
ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ જણાવ્યું હતું કે,વન વિભાગ નાનકડા બીજમાંથી વૃક્ષના અંકુરણ ફૂટે ને એને નાના બાળકોની જેમ જતન કરીને આપણા માટે તૈયાર કરે છે.એનો આપણે લાભ લઈને એક ખેડૂત તરીકેની આપણી જવાબદારી નિભાવવાની છે. આપણે વૃક્ષોનુ જતન કરશું તો એ જ વૃક્ષો ભવિષ્યમાં આપણું જતન કરશે. તમામ પ્રકારે વૃક્ષો આપણને જરૂરી છે.વૃક્ષોના આયુષ્ય સાથે આપણું આયુષ્ય જોડાયેલું છે. નિરોગી જીવન જીવવા માટે આપણી આસપાસનો વિસ્તાર હરિયાળો હોય એ જરૂરી છે.
ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારાએ આ પ્રસંગે કહ્યું હતું કે, આપણે આદિવાસી ખેડૂતો છીએ. જળ,જમીન અને જંગલની રખેવાળી આપણા હાથમાં છે.આપણે જમીનોના માલિકો થઈને અન્ય જિલ્લામાં મજુરી કરવા જઈએ એ યોગ્ય નથી.આપણે આપણા જિલ્લામાં રહીને આપણા જિલ્લાનો વિકાસ કરવાનો છે.તમામ ખેડૂતો વૃક્ષોની મહત્વતા સમજે અને બહારગામ જવાનું છોડીને દાહોદમાં જ રહીને ખેતી કરીને દાહોદની વર્ષો પહેલાની સમૃદ્ધિ ફરીથી જીવંત કરીને આપણા જિલ્લાને આગળ અને ઉપર લાવવા માટેના પ્રયત્નો કરે તે જરૂરી છે. સરકાર આદિવાસીઓ ખેડૂતોની અનેકો યોજનાઓ થકી આર્થિક અને યાંત્રિક સહાય કરી રહી છે. સાથ્વે વન વિભાગ તરફથી તૈયાર છોડવાઓ આપવામાં આવે છે.
આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે જૂથ નર્સરી,વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજના હેઠળ લાભાર્થીઓને સહાય રકમના ચેક આપવાની સાથે દાહોદ જિલ્લાના ગરબાડા અને લીમખેડા તાલુકાની ગ્રામ અને તાલુકા પંચાયતોને વિકાસના કામો માટે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.એ સાથે ફળાઉ રોપા વિતરણ અને સાગના ટીસ્યુ કલ્ચર રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગ,દાહોદ અને વન વિભાગ બારીયાના ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા.
વન મહોત્સવના આ કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી.આ વૃક્ષ રથના માધ્યમથી છોડનું વિતરણ કરીને પર્યાવરણના જતનનો સંદેશ સમગ્ર લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ દરમ્યાન વન સંરક્ષકશ્રી ધનપાલ(વિકાસ અને વ્યવસ્થા, ગાંધીનગર), નાયબ વન સંરક્ષકશ્રી બ્રિજેશ ચૌધરી, મદદનીશ નાયબ વન સંરક્ષક, પ્રાંત અધિકારી એ. કે. ભાટિયા,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય પદાધિકારીઓ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ,શાળા સ્ટાફ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.