દાહોદમાં બે સ્થળે દીપડાના હુમલામાં મહિલા સહિત બે ઇજાગ્રસ્ત…
દાહોદ તા.27

દેવગઢ બારીયા વિસ્તારમાં બે અલગ અલગ બનાવોમાં વન્યપ્રાણી દીપડાએ હુમલો કરતા એક મહિલા તેમજ એક પુરુષ ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. બંને બનાવોમાં ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

દેવગઢ બારીયા નગરપાલિકાના ઘાટી ફળિયા વિસ્તારમાં આજે ધોળા દિવસે એક દીપડાએ ચેનપુર ગામના યુવક મહેશ બારીઆ પર હુમલો કર્યો હતો. મહેશભાઈ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ડુંગરમાંથી આવેલા દીપડાએ અચાનક હુમલો કર્યો, જેમાં તેમના ડાબા હાથને ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલા દરમિયાન મહેશભાઈએ બૂમો પાડી, જેના કારણે દીપડો ગભરાઈને જંગલ તરફ ભાગી ગયો, ઘટની જાણ 108 એમ્બ્યુલન્સને કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. તેવી જ રીતે દેવગઢબારિયા તાલુકાના રૂવાબારી મુવાડા ગામે ખેતી કામ અર્થે ખેતરમાં ગયેલી મહિલા પર દિપડાએ અચાનક હુમલો કર્યો હતો. જોકે આ હુમલામાં ઇજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે દેવગઢબારિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બાદ વન વિભાગ ને જાણ થતા આગળની તપાસ હાથ ધરાઈ છે.આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભય અને ફફડાટ ફેલાવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં દીપડાની હાજરી વધી રહી છે, જેના કારણે રહેવાસીઓ ડરના માહોલમાં જીવી રહ્યા છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જ વન વિભાગે આ જ વિસ્તારમાંથી એક માદા દીપડીને પાંજરે પૂરી હતી. આમ છતાં, દીપડાના વધુ એક હુમલાએ વન વિભાગની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.