
બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે નરાધમ પતિએ માથામાં તથા ગળા ઉપર પાવડાના આડેધડ ઘા ઝીંકી પત્નીની કરપીણ હત્યા કરી ત્રણને ઘાયલ કર્યા*
*સુખસર પોલીસે હત્યારા પતિને ગણતરીની મિનિટોમાં દબોચી લીધો:ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલાયા*
*મૃતક મહિલાને”તું કેમ મને ખાવાનું બનાવીને આપતી નથી”ના બહાના હેઠળ હત્યારા પતિએ તકરાર કરી પાવડાના ઘા ઝીંક્યા હતા*
સુખસર,તા.17
શનિવાર સવારના સાડા દશેક વાગ્યાના અરસામાં રૂપાખેડા ગામે નરાધમ પતિએ 32 વર્ષીય પત્નીને તું મને કેમ ખાવાનું બનાવીને આપતી નથી ના બહાના હેઠળ માથામાં,ગળામાં તથા શરીરે પાવડાની ધારના આડેધડ ધા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.તેમજ ત્રણ લોકોને આ ઝનુની હુમલાખોરે ઘાયલ કરતા ગંભીર ઇજાગ્રસ્ત ત્રણ પૈકી એક 19 વર્ષીય છોકરીને મોઢા તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે લુણાવાડા ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે વાદી ફળિયામાં રહેતા ગણેશ શંકરભાઈ વાદી રહે.રૂપાખેડા,વાદી ફળિયા તા. ફતેપુરા,જી.દાહોદના લગ્ન બાર વર્ષ અગાઉ રહે.ભડવેલ કાચલા ફળિયા તા.સજ્જનગઢ,જી.બાસવાડા
(રાજસ્થાન)ના વતની સરદારભાઈ વાદીની પુત્રી કોકીલાબેન હાલ ઉંમર વર્ષ 32 સાથે સમાજના રિવાજ મુજબ થયેલ હતા.જેઓને સંતાનમાં મોટી પુત્રી સંધ્યાબેન ધોરણ 5 માં અભ્યાસ કરે છે.તે પછીનો પુત્ર ચિસુલભાઈ છે.જ્યારે ત્રીજા નંબરની પુત્રી કાળીબેન અને સૌથી નાનો પુત્ર નાનુભાઈ છે.આમ તેઓને ચાર સંતાનો હતા.અને તેમનો ઘર સંસાર સારી રીતે ચાલતો આવેલ હતો.
જ્યારે શનિવારના રોજ ગણેશ વાદીએ પત્ની કોકીલાબેનને જણાવેલ કે તું કેમ મને ખાવાનું બનાવીને આપતી નથી?તેમ કહી મા-બેન સમાણી ગાળો બોલી ઝઘડો કરતા ગણેશની માં રમીલાબેને જણાવેલ કે તું ઝઘડો કરીશ નહીં.તને કોકિલા રોજ ખાવાનું બનાવીને આપે છે.તેમ કહેતા ગણેશ વાદી એકદમ ઉશ્કેરાઈ જઈ હાથમાં પાવડો લઈ પત્ની કોકીલાબેનને મોઢાના તથા ગળાના ભાગે આડેધડ પાવડાની ધારના ફટકા મારતા વહુને છોડાવવા વચ્ચે આવેલ સાસુ રમીલાબેન વચ્ચે પડતા તેમના હાથે પુત્ર ગણેશ વાદીએ બચકું ભરી લીધું હતું. અને ગંભીર ઇજાગ્રસ્ત કોકીલાબેન વાદીનુ સ્થળ ઉપર જ કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે સંજયભાઈને બૂમ પાડતા તેઓ છોડાવવા દોડી આવતા આરોપી ગણેશ વાદીએ સંજયભાઈ શાંતિલાલભાઈ વાદીના ડાબા હાથે તથા શરીરના ભાગે પાવડાના ફટકા મારી ફેક્ચર કરી આપ્યું હતું.તેમજ પર્વતભાઈ મગનભાઈ વાદી નાઓને ગણેશ વાદીએ માથામાં પાવડો મારતા ઇજા પહોંચી હતી.જ્યારે આ તકરાર દરમ્યાન પાડોશીની દીકરી પૂજાબેન હિંમતભાઈ વાદી ઉંમર વર્ષ 19 પાણી ભરીને નીકળતા પૂજાબેન ઉપર હુમલો કરી ગણેશ વાદીએ મોઢા ઉપર તથા માથાના પાછળના ભાગે પાવડો મારતા ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.
આ ત્રણેય ઇજા ગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સને કોલ મળતા સુખસર 108 ના કર્મચારીઓ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી ગયા હતા.પરંતુ થોડા સમય માટે હુમલાખોર ગણેશ વાદીએ 108 ના કર્મચારીઓને પણ સ્થળ ઉપર જતા રોક્યા હતા.બાદમાં આ ત્રણ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.જેમાં સંજયભાઈ તથા પર્વતભાઈને સુખસર સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી.જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત પૂજાબેનને સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે લુણાવાડા ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.હાલ પૂજાબેન લુણાવાડા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.જ્યારે હુમલાખોર હત્યારાને સુખસર પોલીસે ગણતરીને મિનિટોમાં ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે મૃતક કોકીલાબેનના ભાઈ લક્ષ્મણભાઈ સરદારભાઈ વાદી રહે.ભડવેલ કાચલા ફળિયા તા.સજ્જનગઢ,જી.બાસવાડા
(રાજસ્થાન) નાઓએ આરોપી ગણેશ શંકરભાઈ વાદી સામે ફરિયાદ આપતા સુખસર પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103 (1), 115 (2 ),118 (1),(2),117(2) 352 મુજબ ગુનો દાખલ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.જ્યારે આગળની તપાસ સુખસર પી.આઇ એસ.એસ.વરુ નાઓ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.