બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદીમાં સાચા ગરીબ લાભાર્થીઓની બાદબાકી કરી અન્યાય કરવામાં આવ્યો હોવાની બૂમો*
*ગરીબ લાભાર્થીઓ ને આવાસના લાભથી બાકાત રાખવાના ઇરાદે પાકા મકાનો ધરાવતા માલદાર લોકોનો તેમજ એક જ ઘરમાં એકથી વધુ લાભાર્થીઓના નામનો યાદીમાં સમાવેશ?*
*ફતેપુરા તાલુકામાં આવાસ યોજના ના લાભાર્થી ઓનું સર્વે કરી સાચા લાભાર્થીઓને બાકાત રાખવાની કોશિશ કરનાર જે-તે તલાટી કમ -મંત્રી તથા જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ*
સુખસર,તા.14
રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા મકાન વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય આપવા ઠરાવેલ છે.અને જેના લીધે અનેક બેઘર પરિવારો પોતાના ઘરનું ઘર મેળવી જીવન વ્યતિત કરી રહ્યા છે.અને આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન છે.પરંતુ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર દ્વારા ગરીબ લોકોને મળતા આવાસ યોજનાના લાભોથી ગરીબ પરિવારોને સ્થાનિક જવાબદારો દ્વારા બાકાત રાખવાના ઇરાદે માલદાર અને મળતીયા લોકોને મળી જઇ બોગસ લાભાર્થીઓ આસાનીથી આવાસ યોજના લાભો ઉઠાવી જતા હોવાની બાબત તાલુકામાં વર્ષોથી પરંપરા બની ચાલી આવી રહી હોય તેમ જણાઈ રહ્યું છે.ત્યારે હાલમાં પણ સર્વે કરવામાં આવેલ આવાસ યોજનાના મોટાભાગના ગરીબ લાભાર્થીઓને બાદ કરી માલદાર લોકોના યાદીમાં નામનો સમાવેશ કરાતા ગરીબો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનો સાચા લાભાર્થીઓ એહસાસ કરી રહ્યા છે. ત્યારે તાલુકા જિલ્લાના જવાબદારોએ ધ્યાન આપવાની જરૂરત જણાઈ રહી છે.
હાલ થોડા સમય અગાઉ ફતેપુરા તાલુકામાં મકાન વિહોણા તેમજ કાચા મકાનો ધરાવતા લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા માટે સર્વે કરવામાં આવ્યું હતું.જેમાં આવાસ યોજનાનો લાભ મળવા પાત્ર હોય તેવા તથા કેટલાક પાકા મકાનો ધરાવતા લોકોનો પણ સર્વે કરવામાં આવેલ હતું.જેમાં હાલ આવેલી યાદીમાં જે ખરેખર ગરીબી રેખા હેઠળ જીવતા અને આવાસ યોજનાનો લાભ મળવા પાત્ર હોય તેવા લાભાર્થીઓને યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હોવાની ચર્ચા સાંભળવા મળે છે.જ્યારે કેટલાક લાભાર્થી પાકા મકાનો ધરાવતા હોવા છતાં તેમનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવેલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.અને એમ પણ જાણવા મળે છે કે, સાચા લાભાર્થીઓને બાકાત રાખી કેટલાક એક જ ઘરના સભ્યોના નામે એકથી વધારે લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હોવાનું રચાઇ રહ્યું છે.
જોકે આ લખનાર તથા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને એ વાંધો નથી કે માલદાર લોકો આવાસ યોજનાનો લાભ ઉઠાવે પણ વાંધો ત્યાં છે કે સાચા ગરીબ લાભાર્થીઓને આવાસ યોજના ના લાભ થી બાકાત રાખવામાં આવે તેટલી હિંમત અને સત્તા ખોટું સર્વે કરનાર અને ખોટી યાદી બનાવનારને આપી કોને?
ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના નું સર્વે કરવાની જવાબદારી તલાટી કમ મંત્રીઓને સોંપવામાં આવેલ હતી.પરંતુ તલાટી કમ મંત્રી સાથે જે-તે ગામના આગેવાન થવા મથામણ કરતા હોય તેવા લોકો સર્વે કરતા સમયે તલાટી કમ મંત્રી સાથે હાજર રહેતા હોય તેવા તકવાદી લોકો કહે તેવી રીતે સર્વે કરી યાદી બનાવવા અને ઓનલાઈન કરવા તલાટી કમ મંત્રીઓને સલાહ સુચન કરતા ઓનલાઈન કરવામાં આવતા સાચા ગરીબ લાભાર્થીઓ બાકાત રહ્યા હોવાનું અને માલદાર લોકોનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનો પણ ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અત્રે નોંધનિય બાબત છે કે, ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની યાદી આવેલ છે.અને તેનું રિ સર્વે પણ થઈ રહ્યું છે. ત્યારે રીસર્વેમાં ખરેખર જરૂરિયાત મંદ લાભાર્થીઓ હોય તેમનો રી સર્વેમાં ફરજિયાત આવાસ યોજનાના લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવે તેવી તાલુકાની ગરીબ જનતાની માંગ ઉઠવા પામેલ છે.ઉપરોક્ત બાબતે તાલુકા જિલ્લાના જવાબદાર તંત્રો દ્વારા ધ્યાન આપવામાં આવે અને જવાબદારો દ્વારા સર્વે તથા રીસર્વેમાં કદાચ ગોટાળા કરવામાં આવે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી તાલુકાની ગરીબ જનતાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
