
રાજેશ વસાવે :- દાહોદ
એક કદમ પ્રાકૃતિક કૃષિ તરફ
કુદરતી સંપદા સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન કરતી પ્રાકૃતિક કૃષિ
પ્રાકૃતિક ખેતી એ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ ખેડૂતોના આર્થિક વિકાસ માટે પણ ફાયદાકારક
દાહોદ તા. ૫
સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક કૃષિ તરફ લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો આવે છે અને ઉત્પાદનની ગુણવત્તા વધારે હોય છે, જેના કારણે ખેડૂતોને સારી આવક મળે છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ખેડૂતોના આર્થિક વિકાસ માટે પણ ફાયદાકારક છે. પ્રકૃતિના મૂળભુત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી એ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગણાય છે. પાકની વૃદ્ધિ માટે જરૂરી ઈનપુટ અને ખેત સામગ્રી બહારથી ન લેતાં પ્રાકૃતિક સામગ્રી ઘરે જાતે જ બનાવવામાં આવે છે. નહીવત ખર્ચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે.
પ્રાકૃતિક કૃષિ શા માટે અપનાવવી જોઈએ ?
પ્રાકૃતિક કૃષિ કરવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. જેમાં નહીવત ઉત્પાદન ખર્ચ આવે છે અને બજારમાં વધારે ભાવ મળે છે. પાણીની બચત થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય છે.
પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ છે. જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક દવાઓ. આ તમામ આધારસ્તંભનાં યોગ્ય, વ્યવસ્થિત, સંકલિત ઉપયોગ પર્યાવરણને બચાવવા માટે ઉપયોગી નીવડી રહેશે. ખેતીની જમીનોમાં ઓર્ગેનિક કાર્બન, નાઈટ્રોજન, ઝીંક, સલ્ફર વગેરે પોષકતત્વોની મોટી ઉણપ હોવાથી કોઈપણ પ્રકારની ખેતી પ્રવૃતિમાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી તૈયાર કરેલ ઘન જીવામૃતનો ઉપયોગ કરવો. જેથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા, પોષકતત્વોની ઉપલબ્ધિ વધે છે.
પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડૂતોએ પોતાનાં ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ. દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત કે ઘન જીવામૃત ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃત આપી વાવેતર કરવું જોઈએ. પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ મુજબ સંપુર્ણપણે ખેતી કરવાથી ખેડૂતોને સારા પરિણામો મળે છે. બધાએ સાથે મળીને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી એક “સ્વસ્થ અને સમૃદ્ધ ભારત”નું નિર્માણ કરી શકીએ.
*********