
બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા તાલુકાના બાવાની હાથોડ થી શરણૈયા સુધીનો માર્ગ ખખડધજ:વાહન ચાલકો પરેશાન*
*રસ્તાની પરિસ્થિતિ અંગે તંત્રને અનેકવાર રજૂઆત છતાં આંખ આડા કાન કરાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ*
*બાવાની તથા બારીયાની હથોડ ખાતે કન્યા શાળા તથા સરકારી અનાજ ગોડાઉનમાં અવરજવર કરતા વાહનચાલકો ને પડતી મુશ્કેલી દૂર કરવા માંગ*
સુખસર,તા.2
ફતેપુરા તાલુકામાં અનેક જાહેર માર્ગોને વર્ષો અગાઉ ડામર કરવામાં આવેલ તેવા રસ્તાઓ હાલ ઉબડખાબડ થઈ જતા વાહન ચાલકો સહિત રાહદારી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.જેની રજૂઆત તંત્રને કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા ઉઠવા પામેલ છે.તેવી જ સ્થિતિ બારીયાની તથા બાવાની હથોડ થઈ શરણૈયા સુધી જતો માર્ગ ખખડધજ થતાં અવર-જવર કરતા વાહન ચાલકો આ રસ્તાની કામગીરી તાકીદે કરવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બાવાની હાથોડથી શરણૈયા સુધીનો માર્ગ લાંબા સમયથી બીસ્માર બન્યો છે.તથા તેની ઝાલોદ માર્ગ અને મકાન વિભાગમાં સ્થાનિકો દ્વારા 10 થી 15 વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ રસ્તા ઉપર ધ્યાન આપવામાં નહીં આવ્યું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.તેમ જ આ રસ્તા ઉપર બાવાની હથોડ ખાતે ખાનગી કંપની દ્વારા ખોદકામ કરાતા આજરોજ લોડીંગ ગાડી ખાડામાં ખાબકતા ગાડીને મોટુ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.તેમજ ગાડી રસ્તા ઉપર હોઈ લોડિંગ ગાડીઓની લાંબી કતારો જોવા મળી હતી.તેમજ આ રસ્તા ઉપર બારીયાની હથોડ ખાતે એકલવ્ય રેસિડેન્ટ સ્કૂલ પણ આવેલી છે.તેમજ આ રસ્તા ઉપર ફતેપુરા તાલુકા સરકારી અનાજ ગોડાઉન પણ આવેલ છે.ત્યારે આ રસ્તા ઉપર લોડીંગ વાહનોને તથા ફોર વ્હિલર વાહનો,બાઇક ચાલકો વિગેરેની અવર-જવર દિવસ રાત્રી દરમિયાન રહે છે.અને આ રસ્તાની સ્થિતિના કારણે વાહન ચાલકો શારીરિક ઇજાઓના શિકાર બની રહ્યા છે.તેમજ વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે.બાવાની હથોડ મેન રસ્તાથી ડોડીયાર ફળિયા થઈ બારીયાની હાથોડથી શરણૈયા સુધીના આ માર્ગ ની તાકીદે મરામત કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો સહિત વાહનચાલકોની માંગ ઉઠી રહી છે.
*બોક્સ:-*બાવાની હાથોડ,બારીયાની હાથોડ મેઇન રસ્તાથી ડોડીયાર ફળિયા થઈ શરણૈયા સુધી જતો માર્ગ બિસ્માર બનતા અમોએ 10 થી 15 વાર પી.ડબ્લ્યુ.ડી ઝાલોદ ખાતે રજૂઆત કરી છે.છતાં આજદિન સુધી આ રસ્તા પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી.અને આ રસ્તા ઉપર સરકારી અનાજ ગોડાઉનમાં અવર-જવર કરતા ભારે વાહનોને તેમજ રેસિડન્સ સ્કુલ આવેલ હોય ત્યાં આવર-જવર કરતા વાહન ચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલી પડતી હોય આ રસ્તા પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપી તેનું નવીનીકરણ કરાય તેવી અમારી માંગણી છે.
*(તેરસિંગભાઈ ડોડીયાર, ડોડીયાર ફળિયા,બારીયાની હથોડ, સ્થાનિક)*