
રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડાની ગ્રામ પંચાયતમાં લાંચનો ખેલનો પર્દાફાશ.!
ચિલાકોટાનો કોમ્પ્યુટર ઓપરેટર જન્મના દાખલા માટે રૂ. 1000ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો.
દાહોદ તા.01
લીમખેડા તાલુકાના ચીલાકોટા ગ્રામ પંચાયતમાં જન્મના દાખલા માટે લાંચ લેતો કોમ્પ્યુટર ઓપરેટર ACBના હાથે રંગે હાથ ઝડપાયો છે. આરોપી દિનેશ સોલંકીએ ફરિયાદી પાસે જન્મના દાખલા માટે રૂ. 1200ની લાંચની માગણી કરી હતી. રકઝક બાદ રૂ. 1000માં નક્કી થઈ.
ફરિયાદીના ભાઈની પુત્રીઓને શાળા માટે આધાર કાર્ડ બનાવવા જન્મના દાખલાની જરૂર હતી. આ માટે તેઓ ચીલાકોટા ગ્રામ પંચાયતની કચેરીએ પહોંચ્યા. ત્યાં જન્મની નોંધ ન હોવાનું જણાયું. આરોપી દિનેશ સોલંકીએ મામલતદાર કચેરીમાંથી દાખલો મેળવવા માટે ફોર્મ નંબર-10 ભરી આપ્યું. આ કામ માટે તેણે રૂ. 1200ની લાંચની માગણી કરી હતી.જે બાદ લાંચ આપવાનું ન ઇચ્છતા ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો. ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. કરેણ અને તેમની ટીમે ચીલાકોટા ગ્રામ પંચાયત ખાતે છટકું ગોઠવ્યું. ફરિયાદીએ આરોપી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને રૂ. 1000ની લાંચની રકમ આપતા આરોપીએ રકમ સ્વીકારતાની સાથે જ ACBએ તેને રંગે હાથ ઝડપી લીધો. લાંચની રકમ રૂ. 1000 રિકવર કરવામાં આવી. આ કામગીરી બી.એમ. પટેલ, મદદનીશ નિયામક, ACB પંચમહાલના સુપરવિઝન હેઠળ પૂર્ણ થઈ. આરોપી દિનેશ સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.