
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં જમ્મુતાવી સુપરફાસ્ટ ટ્રેનનું એન્જિન ફેલ: રેલવે તંત્રમાં દોડધામ! | 25 મિનિટ મોડી પડી ટ્રેન.!
વિકલી ટ્રેનનું એન્જિન જમ્મુતાવી તેમજ ગુડસ ટ્રેનનું એન્જિન વિકલી ટ્રેનમાં લગાવી ટ્રેનો રવાના કરાઈ.
દાહોદ તા.22
દાહોદમાં જમ્મુતાવી સુપરફાસ્ટ ટ્રેનનું એન્જિન ફેલ થતા રેલવે તંત્રમાં દોડધામ મચી હતી.જે બાદ વડોદરા થી બિફોર આવી રહેલી વિકલી સુપરફાસ્ટ ટ્રેનને રોકાણ કરાવ્યું હતું.અને વિકલી સુપરફાસ્ટ ટ્રેનનું એન્જિન જમ્મુતાવીમાં લગાવીને રતલામ તરફ રવાના કરાઈ હતી.ત્યારબાદ જેકોટથી ગુડસ ટ્રેનનું એન્જિન મંગાવી વિકલી સુપરફાસ્ટ ટ્રેનમાં જોડી ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવી હતી. આ ઘટનામાં જમ્મુતાવી 25 મિનિટ લેટ થવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેન નંબર 12475 હાપાથી વૈષ્ણોદેવી કટરા તરફ જતી જમ્મુતાવી ટ્રેન તેના નિર્ધારિત સમય પર દાહોદ ખાતે આવીને ઉભી રહી હતી. દરમિયાન તેના એન્જિનમાં ખામી સર્જાતા લોકો પાયલોટ દ્વારા રેલવેના સત્તાધીશોને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી.અને થોડીક જ વારમાં સ્ટેશન પર ફરજ પર હાજર ટેકનીકલ સ્ટાફ પણ પહોંચ્યો હતો. આ સમયગાળામાં દાહોદ થી પસાર થઈ રહેલી ટ્રેન નબર 22543 બાંદ્રાથી લાલકુવા જતી સુપરફાસ્ટ વીકલી ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા 25 મિનિટ બીફોર આવતા આ ટ્રેનને દાહોદમાં પ્લેટફોર્મ નંબર 1 લાવવામાં આવી હતી. અને તેનો એન્જિન જમ્મુતાવીમાં જોડી રતલામ તરફ રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ બાંદ્રા લાલકુવા ટ્રેનમાં જેકોટ થી મંગાવેલો માલગાડીનો એન્જિન લગાવી તેને પણ રતલામ તરફ રવાના કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન હાપા જમ્મુતાવી તેના નિર્ધારીત સમય કરતા 25 મિનિટ મોડી પડી હતી