
રાજેશ વસાવે :- દાહોદ
*જી.એલ.આર.એસ, લીમખેડા ખાતે બનેલ ફુડ પોઇઝનિંગ ઘટના સ્થળની મુલાકાત લેતા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે*
દાહોદ તા. ૩
દાહોદ જિલ્લામાં તા.૦૨/૦૭/૨૦૨૫ના રોજ રાત્રીના ૧૦ કલાકે લીમખેડા મોડલ સ્કુલ ખાતે ચાલતી જી.એલ.આર.એસ. મંડોર તા.ધાનપુર રેસીડેન્સીયલ સ્કુલ ખાતે ધોરણ – ૬ થી ૧૨ ની વિદ્યાર્થિનીઓને ફુડ પોઇઝનીંગ થયેલ તેવી માહિતી મળતાં વહીવટી તંત્ર અને મેડીકલ ટીમ દ્વારા ૦૫(પાંચ) – ૧૦૮ એમ્બ્યુલંસ દ્વારા અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સી.એચ.સી.લીમખેડા અને સી.એચ.સી.પીપલોદ ખાતે સારવાર અર્થે રીફર કરવામાં આવી છે.
એ સાથે ત્રણ ડૉકટરની ટીમ દ્વારા જી.એલ.આર.એસ. સ્કુલની હોસ્ટેલ ખાતે રહેતી ૩૭૦ વિદ્યાર્થિનીઓનું સ્ક્રીંનીંગ કરી મેડીકલ તપાસ પૂર્ણ કરેલ છે. હાલની સ્થિતિમાં અસરગ્રસ્ત જણાતી 11 વિદ્યાર્થિનીઓને સી.એચ.સી. લીમખેડા ખાતે તથા સી.એચ.સી. પિપલોદ ખાતે 14 વિદ્યાર્થિનીઓને એડમીટ કરવામાં આવેલ છે તથા 62 વિદ્યાર્થીનીઓને પી.એચ.સી. દુધીયા ખાતે તેમજ Zydus Hospital દાહોદ ખાતે 8 વિદ્યાર્થિનીઓને એડમીટ કરવામાં આવેલ છે. હોસ્ટેલ ખાતે બાકી રહેતી વિદ્યાર્થીનીઓ પૈકી કોઇને પણ ફુડ પોઇઝનીંગના લક્ષણો જણાઈ આવેલ નથી.
આ ઘટનાની જાણ થતાં કલેકટરશ્રી, દાહોદ દ્વારા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓનું સંકલન કરી ઘટના અંગે પૂરતી કાર્યવાહી થાય તે અંગે સતત મોનીટરીંગ કરવામાં આવી રહી છે. માર્ગદર્શન સાથે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
તાલુકા વહીવટી તંત્રના પ્રાંત અધિકારીશ્રી લીમખેડા, મામલતદારશ્રી લીમખેડા તેમજ પોલીસની ટીમ સ્થળે પહોંચી જઇ આપવામાં આવેલ સારવાર અંગેની માહિતી મેળવી તથા મેડીકલ ઓફિસર સાથે સતત સંપર્કમાં રહી આ ઘટનાને પહોંચી વળવા બનતી ત્વરીત તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરેલ છે.
હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલમાં પીવાના પાણીની તેમજ આવતી કાલથી બાજુમાં આવેલ મોડેલ સ્કુલમાંથી જી.એલ.આર.એસ. સ્કુલની વિદ્યાર્થીનીઓનું જમવાની પણ વ્યવસ્થા કરવાનું આયોજન કરેલ છે. હાલમાં જી.એલ.આર.એસ. સ્કુલની હોસ્ટેલ ખાતે ૩(ત્રણ) એમ્બ્યુલંસ અને ૩(ત્રણ)મેડીકલ ટીમ વિદ્યાર્થીનીઓની સારવાર માટે હાજર રાખેલ છે. તેમજ વિદ્યાર્થીનીઓને વધુ સારવારની જરૂરીયાતને પહોંચી વળવા માટે સી.એચ.સી. દુધિયા, તા. લીમખેડા તથા સી.એચ.સી. દેવગઢ બારીઆ ખાતે બેડની વ્યવસ્થા તથા મેડીકલ ટીમ સારવાર અર્થે હાજર રાખેલ છે.
વધુમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોસ્ટેલના ફુડ તથા વોટર સેમ્પલ લઇ વધુ પરિક્ષણ માટે મોકલેલ છે. આમ, વહિવટી તંત્ર, આરોગ્યટીમ તથા ૧૦૮ ટીમ દ્વારા અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને ત્વરિત સારવાર અને અન્ય જરુરી તમામ અનુષાંગીક કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવેલ છે.
વધુમાં એડમીટ કરેલ તમામ વિદ્યાર્થીનીઓની તબીયત હાલ સ્થિર છે, પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને જિલ્લા કલેકટરશ્રી, દાહોદ દ્વારા મોડલ સ્કૂલ લીમખેડા તેમજ સી.એચ.સી. લીમખેડા, સી.એચ.સી. દૂધીયા, સી.એચ.સી. પીપલોદની મુલાકાત લઇ સારવાર હેઠળની વિદ્યાર્થીનીઓની સાથે સંવાદ કરીને વહીવટી તંત્રને જરૂરી તમામ કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે.
૦૦૦