
ઝાલોદ નજીક આંતરરાજ્ય બોર્ડર પરથી કોલસાની આડમાં સંતાડેલો 29 લાખનો દારૂ ઝડપાયો, ચાલક સહિત પાંચ સામે ગુનો દાખલ..
દાહોદ તા.23
દાહોદ જિલ્લામાં ઝાલોદ પોલીસે રાજસ્થાનને જોડતી ધાવડીયા ચેકપોસ્ટ પર બાતમીના આધારે ટ્રકમાં કોલસાના થેલીની આડમાં છુપાવેલા 29.97 લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનના ભીલવાડાના ચાલકની ધરપકડ કરી છે.પોલીસે પ્રોહિબિશનના કેસમાં વિદેશી દારૂનો જથ્થો, ટ્રક,મોબાઈલ ફોન તેમજ કોલસાની થેલીઓ મળી કુલ 40.37 લાખનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂની પ્રવૃત્તિમાં સંકળાયેલા રાજસ્થાનના ત્રણ તેમજ વિદેશી દારૂ મંગાવનાર વડોદરાનો સપ્લાયર સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે..
રાજસ્થાન અને મધ્યપ્રદેશની જોડતી સરહદો ઉપરથી અવાર નવાર બુટલેગર તત્વો પોલીસની આંખોમાં ધૂળ નાખી વિદેશી દારૂની હેરફેર કરવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે. પરંતુ પોલીસ બાતમીદારોના નેટવર્ક થતી બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફેરવતી હોય છે. તેઓ જ કિસ્સો ઝાલોદ નજીક રાજસ્થાનને જોડતી ધાવડિયા ચેક પોસ્ટ પર બનવા પામ્યો છે.જેમાં પેટ્રોલિંગમાં નીકળેલી ઝાલોદ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આવતા ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ઝાલોદના રસ્તે વડોદરા તરફ જઈ રહ્યો છે.તે બાતમીના આધારે પોલીસે ધાવડિયા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી બાતમીમાં દર્શાવેલ RJ.19.GF.2436 નંબરની ટ્રકને ઉભી રખાવી ટ્રકના ચાલક રાજેન્દ્ર મોતીસિંહ રાવત રહેવાસી બાગમતી આસોદ ભીલવાડાની અટક કરી ટ્રકની તલાસી લીધી હતી. જેમાં દરમિયાન ટ્રકમાં કોલસાની થેલીઓની આડમાં છુપાવેલા અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની 534 પેટીઓમાં 15960 બોટલો મળી 29.97 લાખનો વિદેશી દારૂ તેમજ 25 હજાર રૂપિયા કિંમતની કોલસાની 25 થયેલીઓ 15,000 રૂપિયાનો મોબાઇલ મળી કુલ 40.37 લાખનો મુદ્દામાલ મળી આવતા ઉપરોક્ત પ્રોહીબિશનના બનાવમાં પોલીસે ચાલક તેમજ રાજસ્થાનથી વિદેશી દારૂનો માલ ભરી આપનાર બાબુ નંદાભાઈ રાવત આસોદ ભીલવાડા નારાયણ કેશવજી ગુર્જર,ગુર્જર મોહલ્લા જગ કૃપા ભીલવાડા તેમજ વિદેશી દારૂનો માલ મંગાવનાર વડોદરાના ઈસમ સામે ગુનો દાખલ કરી ઉપરોક્ત વિદેશી દારૂ તેમજ ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.