
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં 262 ગ્રામ પંચાયતમાં યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 80% મતદાન યોજાયુ.
દાહોદ તા. ૨૩
દાહોદ જિલ્લામાં વરસાદની સંભવિત આશંકાઓ વચ્ચે પણ દાહોદ જિલ્લામાં રવિવારે યોજાયેલી 262 ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થઈ હતી. મેઘરાજાએ જાણે ખમૈયા કર્યા હોય તેમ વરસાદે મતદાન પ્રક્રિયામાં કોઈ અવરોધ ઉભો ન કરતા જિલ્લામાં સાંજના પાંચ વાગ્યા સુધી 77.18 ટકા ઊંચું મતદાન નોંધાયું હતું. જોકે, સાંજના છ વાગ્યા સુધીમાં સરેરાશ 80 ટકાથી વધુ મતદાન નોંધાયુ હોવાનું કહેવાઇ રહ્યુ છે. સમાચાર લખાયા સુધી પૂર્ણ મતદાનના આંકડા મળી શક્યા ન હતાં. મતદાનના દિવસે સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને મહિલા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેઓ મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડી હતી. યુવા મતદારો પણ પોતાના ભવિષ્ય માટેના નિર્ધાર સાથે ઉત્સાહભેર મતદાન કરતા જોવા મળ્યા હતા. ઉમેદવારો અને મતદારો બંનેને વરસાદની ચિંતા સતાવી રહી હતી પરંતુ મતદાનના દિવસે વાદળો છવાયેલા રહ્યા છતાં સામાન્ય છાંટા સિવાય કોઈ અસરકારક વરસાદ પડ્યો ન હતો. આનાથી મતદારોને મોટી રાહત મળી હતી અને તેઓ નિર્ભયપણે લોકશાહીના આ પર્વમાં ભાગ લઈ શક્યા હતા. વિશ્લેષકો માની રહ્યા છે કે વરસાદ ન પડવાના કારણે જ મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકામાં સૌથી વધુ 84.49 ટકા મતદાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં 18 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી જ્યારે બાકીની પંચાયતોમાં જોરદાર સ્પર્ધા જોવા મળી હતી.
14 પંચાયતોમાં પેટા ચૂંટણીમાં 59.91 ટકા મતદાન
દાહોદ જિલ્લાની 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઇ હતી. આ પેટા ચૂંટણીમાં 7324 પુરૂષ અને 7425 મહિલાઓએ મતદાન કર્યુ હતું. ત્યારે અહીં 59.91 ટકા મતદાન રહ્યુ હતું. પેટા ચૂંટણીઓનું મતદાન મહત્તમ સ્થળે વહેલું પૂર્ણ થઇ ગયુ હતું. દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકાને બાદ કરતાં તમામ તાલુકાઓમાં પેટા ચૂંટણી યોજાઇ હતી.
*ગંભીર બેદરકારી:સંજેલીમાં વોટ નાખવાનો સિક્કો ગાયબ થતા બીજો સિક્કો વાપરવો પડ્યો.*
દાહોદ જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સંજેલી તાલુકાના વાસિયા ગામેથી પ્રિસાઇડિંગ ઓફિસરની ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે. જેમાં વાસિયા ગામના ચોરા ફળિયા પ્રાથમિક શાળાના બુથ નંબર ચાર પર વોટ નાખવાનો સિક્કો ગાયબ થઈ જતા હોબાળો મચ્યો હતો. બપોરના એક વાગ્યા સુધી સિક્કો ના મળતા પ્રિસાઇડિંગ ઓફિસર પાસે ઉપસ્થિત બીજા સિક્કા વડે મતદાન કરાવવાની ફરજ પડી હતી. મતદાન મથક પરથી સિક્કો ગાયબ થઈ જતા લોકોમાં કેન્દ્ર બન્યું હતું. હવે આ મામલે પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ચૂંટણી શાખામાં જાણ કરવામાં આવી છે. હવે આ મામલે ચૂંટણી શાખા પ્રિસાઇડિંગ ઓફિસર સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. તે જોવું રહ્યું.
*ઝાલોદના મોટી હાંડીના બુથ ઉપરથી બેલેટ ગાયબ થઈ જતા મતદાન બંધ કરવાની ફરજ પડી.*
ઝાલોદ તાલુકામાં યોજાઇ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વહેલી સવારથી મતદારોની ભારી ભીડ હતી. તે અરસામાં ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામના ધામણખોબરા પ્રાથમિક શાળાના બૂથ નંબર 2 માં બેલેટ ગાયબ થઈ જતા ભારે બાળો મચ્યો હતો. જેના પગલે બે કલાક સુધી મતદાન બંધ કરવાની ફરજ પડી હતી. આ અરસામાં જિલ્લા પોલીસ અધિક્ષક, ઝાલોદ ડીવાયએસપી, સ્થાનિક પોલીસ તેમજ ઝાલોદ પ્રાંત અધિકારી તથા ચૂંટણી શાખાના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે આવ્યા હતા. અને તપાસ હાથ ધરતા સરપંચ ના 43 તેમજ સભ્યોના 43 બેલેટ ગુમ થઈ જતા આખરે ઝાલોદ પ્રાંત અધિકારી દ્વારા સંપૂર્ણ મતદાન પ્રક્રિયા બંધ કરાઈ હતી. અને બેલેટ કેવી રીતે ગાયબ થયા તે અંગે પોલીસ તપાસ સોંપવામાં આવી છે. હવે આ બૂથ પર આવનારા સમયમાં ફેર મતદાન કરવાની ફરજ પડશે.
બોક્સ-કયા તાલુકામાં પાંચ વાગ્યા સુધી કેટલા ટકા મતદાન
તાલુકો-પંચાયત-ટકાવારી
દાહોદ-28-77.62
ગરબાડા-18-71.68
ઝાલોદ-59-77.97
ફતેપુરા-48-75.1
સંજેલી-9-76.17
લીમખેડા-26-77.46
ધાનપુર-20-71.6
સીંગવડ-16-81.41
દે.બારિયા-38-77.18