
#DahodLive#
બંને મંત્રી પુત્રોની જામીન અરજી અંગે આગામી 25મી એ વધુ સુનવણી હાથ ધરાશે..
દાહોદ મનરેગા કૌભાંડ:જામીન મુક્ત થયેલા પ્રોપરાઇટરની પોલીસે બીજા ગુનામાં કરી ધરપકડ.,
દાહોદ તા. 20
દાહોદના બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં ધરપકડ બાદ જામીન મુક્ત થયેલા માલ સપ્લાય કરનાર એજન્સીના પ્રોપરાઇટરની પોલીસે બીજા ગુનામાં ધરપકડ કરી છે. આ સાથે દેવગઢ બારીયાના લવારીયા અને ધાનપુરના ભાણપુરમાં મનરેગા કૌભાંડમાં જેલવાસો ભોગવી રહેલા બન્ને મંત્રી પુત્રોની જામીન અરજી મુદ્દે વધુ એક મુદ્દત પડી હોવાનું સૂત્રો દ્રારા જાણવા મળી રહ્યું છે.
દાહોદ સહીત ગુજરાતભરમાં ચર્ચામાં રહેનાર મનરેગા કૌભાંડમાં અગાઉ થયેલી પ્રથમ ફરિયાદમાં દેવગઢ બારીયાના એન.જે.કંટ્રકશનના પ્રોપરાઇટર પાર્થ બારીયાની ધરપકડ કરી હતી.જેમાં 71 કરોડના આ કથિત કૌભાંડમાં પાર્થ બારીયાએ તેની એજન્સી મારફતે દેવગઢ બારીયાના કુવા અને રેઢાણામાં માલ સપ્લાય કર્યા વગર 5.02 કરોડના બીલ પાસ કરાવી સરકાર જોડે છેતરપિંડી કરી હતી.આ ગુનામાં જયિડિશીયલ કસ્ટડીમાં મોકલાયેલા પાર્થ બારીયાએ જામીન અરજી મુકી હતી.જે સંદર્ભમાં કોર્ટે તેને શરતી જામીન આપ્યા હતા.દરમિયાન પાર્થ બારીયા જેલમાંથી બહાર નીકળે તે પહેલા જ પુરાવાના આધારે પોલીસે દેવગઢ બારીયાના લવારીયા ખાતે થયેલા 18.41 લાખના કૌભાંડમાં તેનું નામ ખોલી દીધું હતું.અને સબજેલ ખાતે પહોંચી ગયા હતા અને પાર્થ બારીયા જેલમાંથી બહાર નીકળતા જ પુનઃ બીજા ગુનામાં ધરપકડ કરી છે.ત્યારે બીજી તરફ દેવગઢ બારીયાના લવારીયા મનરેગા કૌભાંડમાં પકડાયેલા મંત્રી પુત્રો કિરણ ખાબડ અને ધાનપુરના ભાણપુરમાં થયેલા મનરેગા કૌભાંડમાં જેલવાસો ભોગવી રહેલા બળવંત ખાબડની જામીન અરજી ઉપર આજે સુનાવણી થઈ હતી.જેમાં વધુ સુનાવણી માટે કોર્ટે આગામી 25 મી જૂનના રોજની મુદ્દત આપતા હવે જામીન અરજી અંગે આગામી 25 જૂનના રોજ સુનાવણી હાથ ધરાશે.