
#DahodLive#
મનરેગા કૌભાંડમાં બન્ને મંત્રી પુત્રોને કોર્ટે આપી રાહત:જેલમુક્ત થવાની રાહ સરળ બની..
દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડમાં કોર્ટે પોલીસની રીવીઝન અરજી ફગાવી મંત્રી પુત્રોના જામીન યથાવત રાખ્યા.
બન્ને મંત્રી પુત્રો સામે કુલ ત્રણ ફરિયાદો દાખલ:બન્ને અત્યારે જ્યુડિશલ કસ્ટડીમાં..
દાહોદ તા.11
દાહોદના 71 કરોડના મનરેગા કૌભાંડમાં બન્ને મંત્રી પુત્રો સામેની જામીન રદ્દ કરવા માટેની પોલીસની અરજી આજે સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ મામલે કોર્ટે અગાઉ દાહોદની ચીફ કોર્ટે બન્ને મંત્રી પુત્રોને આપેલી જામીન અરજી યથાવત રાખી છે. જેના લીધે હાલ અન્ય ગુનામાં જેલમાં બંધ બંને મંત્રી પુત્રો માટે રાહત ના સમાચાર છે. એટલું જ નહીં આ ચુકાદા બાદ અન્ય ગુનામાં જેલવાસો ભોગવી રહેલા બંને મંત્રી પુત્રો માટે જેલ બહાર આવવાનો રસ્તો સરળ બન્યો છે. જોકે હવે મનરેગા કૌભાંડમાં આવનાર સમયમાં બહુ મહત્વપૂર્ણ ચિત્ર જોવા મળશે.
દાહોદનો બહુચર્ચિત મનરેગા કૌભાંડ જેમાં દેવગઢ બારીયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમામોઇ ગામમાં કુલ 71 કરોડના કામોમાં સ્થળ તપાસણીમાં ગોબાચારી સામે આવી હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ ગુનામાં 11 જેટલા સરકારી કર્મચારીઓ તેમજ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો અને માલ સપ્લાય કરનાર એજન્સીના 4 પ્રોપરાઇટરોની ધરપકડ કરી હતી. જે બાદ આ કેસમાં પકડાયેલા તમામ લોકો રિમાન્ડ પૂર્ણ થયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. દરમિયાન મંત્રી પુત્ર તેમજ શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ.પીપેરોના માલિક બળવંત ખાબડ તેમજ શ્રી રાજ ટ્રેડર્સના પ્રોપરાઇટર કિરણ ખાબડે દાહોદની ચીફ કોર્ટમાં જામીન મૂકતા કોર્ટે બન્નેના જામીન મંજુર કરતા પોલીસે ચીફ કોર્ટમાં સ્ટે માટે અરજી કરી હતી. જેમાં કોર્ટે બીજા દિવસે સુનાવણી રાખી હતી. અને દલીલો બાદ પોલીસની અરજી ફગાવી બંનેને જામીન આપ્યા હતા. ત્યારબાદ પોલીસે આ મામલે દાહોદની સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી વિથ સ્ટેની અરજી કરી હતી.જેમાં કોર્ટે બન્ને મંત્રી પુત્રો સામે નોટીસ ઈશ્યૂ કરી કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું હતું. તે જ દિવસે બન્ને મંત્રી પુત્રો જામીન મુક્ત થતા પોલીસે જેલ બહારથી અન્ય એક ગુનામાં કિરણ ખાબડની ધરપકડ કરી હતી. અને બળવંત ખાબડને જવા દીધો હતો. ત્યારબાદ બે દિવસ બાદ પોલીસે વધુ એક ગુનો દાખલ કરી બળવંત ખાબડની પણ ધરપકડ કરી હતી. આ સમયમાં સેશન્સ કોર્ટમાં પોલીસની રિવિઝન અરજી પર સુનવણી થતા મુદત પડી હતી. ત્યારબાદ બીજી સુનવણીમાં દલીલોના અંતે ચુકાદો અનામત રાખ્યો હતો અને આજરોજ ચુકાદો સાર્વજનિક કર્યો હતો જેમાં પોલીસની અરજી ફગાવી બન્નેના જામીન યથાવત રાખ્યા હતા.
*મંત્રીપૂત્રોના જામીન યથાવત રહેતા રાહતના સમચાર, અન્ય ગુનામાં લાભ મળશે.*
બંને મંત્રી પુત્રો સામે કુલ ત્રણ પોલીસ ફરિયાદો નોંધાઈ છે. જેમાં 71 કરોડના મનરેગા કૌભાંડમાં સેશન્સ કોર્ટે જામીન યથાવત રાખ્યા છે. જોકે હવે અને બે ગુના જેમાં ભાણપુરના 33 લાખના કૌભાંડમાં જેલમાં બંધ બળવંત ખાબડ તેમજ લવારીયાના 18.41 લાખના કૌભાંડમાં સામેલ અને હાલ3 જેલમાં બંધ કિરણ ખાબડને આ બન્ને કેસમાં જામીન મેળવવા સરળ બની જશે. કારણકે સરખી કલમ, અને ગુનામાં સેશન્સ કોર્ટે પહેલા ગુનામાં જામીન યથાવત રાખ્યા છે ત્યારે અને બે ગુનામાં પણ સરખી કલમ અને સરખો ગુનો હોવાથી સેશન્સના ચુકાદાના આધારે અન્ય બે ગુનામાં જામીન મેળવવા સરળ બનશે.
*મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રો સહિત અને જેલમાં બંધ સરકારી કર્મચારીઓ સામે વધુ ગુના દાખલ થઈ શકે છે.*
71 કરોડના મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રો તેમજ પાંચ જેટલા સરકારી કર્મચારીઓને જામીન મળતા પોલીસે વધુ બે ગુના દાખલ કરી બંને મંત્રી પુત્રો તેમજ ત્રણ સરકારી કર્મચારીઓની પુનઃ ધરપકડ કરી હતી. હવે સેશન્સ કોર્ટમાંથી આ ગુનામાં જામીન મળતા અને બે ગુનામાં જેલમાં બંધ બંને મંત્રી પુત્રો અને સરકારી કર્મચારીઓ માટે જામીન મેળવવા આ કેસનો ચુકાદો આધાર બનશે. જેના લીધે તેમની જામીન પ્રક્રિયા સરળ બનશે. પરંતુ ધાનપુર અને બારીયામાં જે ગામોમાં મનરેગાના કામો ન થયા અને ફરિયાદ દાખલ થઈ તે સિવાયના ગામોમાં પણ જિલ્લા પંચાયતમાં ડીઆરડીએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અને આગામી સમયમાં અન્ય ગામોમાં પણ ભ્રષ્ટાચાર ઉજાગર થતા હવે આગામી સમયમાં મંત્રી પુત્રો અને સરકારી કર્મચારીઓ સામે વધુ ગુણ દાખલ થઈ શકે છે.