
રાજેશ વસાવે;- દાહોદ
લીમડિયામાં ઘરમાં 500ના દરની નકલી નોટો છાપવાનો ગોરખધંધાનો પર્દફાશ
ઘર માલિક દંપતિ સાથે વિવિધ પ્રકારની ભૂમિકા ભજવનાર છાલોર,વાંગડ અને પેથાપુર ગામના યુવકોની ધરપકડ :
સિક્યુરીટી થ્રેડ પિન્ટ કરેલા 143, કાળી પટ્ટી વાળા 332 કાગળો મળ્યા :
42 નોટો પ્રિન્ટ કરેલા 14 કાગળો પણ મળ્યા : દંપતિને સાત દિવસના રિમાન્ડ :
દોઢ વર્ષથી ગોરખધંધો ચાલતો હતો
દાહોદ તા .10
દાહોદ જિલ્લાના સરહદી રાજસ્થાનમાં નકલી નોટો છાપવાનું મોટા કૌભાંડમાં હાલ સુધી 11 લોકોની ધરપકડ કરાઇ છે ત્યારે આ નોટો દાહોદમાં પણ છપાઇ હોવાના ઘટસ્ફોટ બાદ એક્શનમાં આવેલી દાહોદ પોલીસે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં ઘરમાં નકલી નોટો છાપવાનો ગોરખધંધો ઝડપી પાડ્યો છે. ઘરમાંથી સિક્યુરીટી થ્રેડ પિન્ટ કરેલા, કાળી પટ્ટી વાળા અને નોટો પ્રિન્ટ કરેલા કાગળો મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.આ મામલે ઘર માલિક દંપતિના સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે જ્યારે આ ગોરખધંધામાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવનાર છાલોર,વાંગડ અને પેથાપુર ગામના અન્ય ત્રણ યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર પાડોશી રાજ્ય રાજસ્થાનના બાંસવાડામાં જિલ્લામાં નકલી નોટો છાપવાના પ્રકરણ બાદ દાહોદ પોલીસે મેદાને આવીને ચાર શંકાસ્પદ નંબરો ટ્રેસ કર્યા હતાં.તેમાં ફતેપુરા તાલુકાના લીમડિયા ગામના માંડલી ફળિયામાં રહેતાં કાનજી ગરાસિયાના નંબરના આધારે તેના ઘરે છાપો મારતાં પોલીસ ચોંકી ઉઠી હતી. અહીંથી પોલીસને 500ના દરની ચલણી નોટ ઉપર જોવા મળતાં લીલી પટ્ટી વાળા સિક્યુરીટી થ્રેડ પિન્ટ કરેલા 143 કાગળો સાથે કાળા રંગની તુટ્ટક પટ્ટી પ્રિન્ટ કરેલા અન્ય 332 ઝેરોક્ષ કાગળો મળ્યા હતાં. આ સાથે 500ના દરની 42 નોટો પ્રિન્ટ કરેલા 14 કાગળો પણ મળી આવ્યા હતાં. આ મામલે પોલીસે કાનજી ગરાસિયા અને આ ગોરખધંધમાં શામેલ તેની પત્ની અશ્વિનાબેનની ધરપકડ કરી હતી.આ બંનેની ઘનિષ્ઠ પુછપરછ કરતાં અર્થતંત્રને ખોરવવાના આ કૌભાંડમાં શામેલ અન્ય લોકોના નામ સામે આવ્યા હતાં. આ મામલે ગુનો દાખલ કર્યા બાદ ગુરુવારની સાંજે પોલીસે દંપતિને કોર્ટમાં રજૂ કરીને તેમના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ સાથે પોલીસે ટીમો બનાવીને નકલી નોટો છાપવામાં વિવિધ ભૂમિકા ભજવનારા ફતેપુરા તાલુકાના છાલોર ગામના નિશાળ ફળિયાના મુકેશ કામોળ, વાંગડા ગામના નદી ફળિયાના રાકેશ પારગી અને ઝાલોદના પેથાપુર ગામના તળ ફળિયાના હરિશચંદ્રની પણ ધરપકડ કરી લીધી હતી. નકલી નોટો છાપવાના આ દાહોદ જિલ્લામાં ચાલતા આ ગોરખધંધાથી ભારે ખળભળાટ મચી ગયો છે.
*જેલમાં બંધ મુખ્ય સૂત્રધારનું આઠ રાજ્યમાં નકલી નોટોનું નેટવર્ક..*
હૈદ્રાબાદનો હુસેન પીરા ડિસેમ્બર 2024માં તેલંગાણા રાજ્યમાં નકલી નોટોના ગુનામાં ઝડપાતા તે હાલ હૈદ્રાબાદ જૈલમાં બંધ છે. બાંસવાડામાં પકડાયેલા કૌભાંડમાં પણ તેની સંડોવણી સામે આવી છે.હુસેન પીરા દ્વારા દેશના તેલંગાણા, કર્ણાટકા, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર ઉત્તરાખંડ અને ગુજરાતમાં નેટવર્ક ધમધમાવવામાં આવતુ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યુ છે.
દોઢ વર્ષ પહેલાં કાનજીને નકલી નોટોનું સેમ્પલ બતાવાયુ અને અર્થતંત્રને ખોરવવાનો ખેલ શરૂ થયો…
ફતેપુરાના લીમડિયામાં નકલી નોટો છાપવાના પ્રકરણમાં દોઢ વર્ષ પહેલાં મુકેશ કામોળે ગરાસિયાને નકલી બનાવનાર માણસનો કોન્ટેક કરાવાવની વાત કર્યા બાદ પેથાપુરના વિષ્ણુ પંચાલનો સંપર્ક કરાવ્યો હતો. પખવાડિયા બાદ વિષ્ણુ અને મુકેશે કાનજીને સંજેલી બોલાવી અન્ય એક યુવકનો સંપર્ક કરાવ્યો હતો. તેણે કાનજીને 500ની બે નકલી નોટો આપી હતી. ત્યારે કાનજીએ નકલી નોટો છાપવાના સાધનો લાવવા માટે 50 હજાર રૂપિયા એડવાન્સ માંગ્યા હતાં. ત્યાર પછીના દસ દિવસે મુખ્ય ભેજાબાજ હુસેન પીરા સાથે સંપર્ક કરાવ્યો હતો અને હુસેને થનારા લાભમાંથી 10 ટકા લેવાનું નક્કી કર્યુ હતું. ફેબ્રુઆરી 2024માં હુસેન કાનજીના ઘરે ગયો હતો અને ત્યાં બેથી ત્રણ દિવસ રોકાઇને બનાવટી પૈસા લેનારાઓની તપાસ કરાઇ હતી. નોટો છાપવાની સામગ્રી ભેગી કરીને રાજસ્થાનના માનગઢ હિલ પાસે પ્રભુ નામક એક્સપર્ટને બતાવતા તેણે કાગળો રીજેક્ટ કરી દીધા હતાં.એક માસ બાદ ઝાલોદ એપીએમસી ગેટ પાસે મળીને સારી ક્વાલિટીના કાગળો લાવવા કાનજીએ 80 હજાર રૂપિયા હુસેનને આપ્યા હતાં. કાનજીએ વાંગડના રાકેશ પારગીને પોતાની સાથે ભેળવી હુસેનનો સંપર્ક કરાવ્યો હતો. ઓગસ્ટ માસમાં નોટો છાપીને કેટલીક નોટો કાનજીને આપી હતી. આરબીઆઇ લખેલી લીલી પટ્ટી અને કાળી પટ્ટી વાળા કોરા કાગળો અશ્વિનાબેને તીજોરીમાં સંઘર્યા હતાં.