
રાજેશ વસાવે :- દાહોદ
બાળકોને લેવા આવેલા વાલીની એક્ટિવા ચાલુ કરતાં ભભૂકી ઊઠી,
દાહોદની ગર્લ્સ સ્કૂલ પાસે એક્ટિવામાં આગ: ફાયરે આગ ઓલવી..
દાહોદ તા.09
દાહોદ શહેરના સરસ્વતી સર્કલ રોડ પર આવેલી ગર્લ્સ સ્કૂલ પાસે એક એક્ટિવામાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. શાળા છૂટવાના સમયે બાળકોને લેવા આવેલા વિકાસ પ્રજાપતિ નામના વાલી પોતાની એક્ટિવા લઈને સ્કૂલ પહોંચ્યા હતા.
વિકાસભાઈએ સ્કૂલના ગેટ પાસે એક્ટિવા પાર્ક કરી બાળકોને લેવા ગયા હતા. જ્યારે પરત આવીને એક્ટિવા ચાલુ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વાહનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. સમયસૂચકતા વાપરીને તેઓ એક્ટિવાથી દૂર ખસી ગયા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર આ ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં એક્ટિવા બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.