*સંતરામપુર માર્ગ અને મકાન વિભાગ પંચાયતમાં ચાલતા ગેર વહીવટની અધિક્ષક ઇજનેર વડોદરાને રજૂઆત કરાતા સ્ટાફમાં અફડા તફડી?*
*સંતરામપુર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગોઠીબથી જાનવડની મુવાડી,સંજેલી તરફ જતા રસ્તાના કામમાં ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોવા બાબતે રજૂઆત કરવામાં આવી છે*
*સંતરામપુર માર્ગ મકાન પેટા વિભાગમાં આવતા રસ્તાઓના જંગલ કટીંગ,ખાડા પૂરણના કામો માં પણ ગેરરીતિઆચરવામાં આવી હોવાનો આક્ષેપ*
સુખસર,તા.4
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના માર્ગ અને મકાન ( પંચાયત )વિભાગ દ્વારા ગોઠીબથી જાનવડની મુવાડી,સંજેલી જતા માર્ગમાં કરવામાં આવી રહેલ કામગીરી માં નાયબ કાર્યપાલક ઇજનેર અને એજન્સીના મેળાપીપણાથી વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવા બાબતે રજૂઆત કરી તેની તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા તેમજ એજન્સીના નાણાં રોકવા એક જાગૃત નાગરિક દ્વારા અધિક્ષક ઇજનેરની કચેરી (પંચાયત ) પંચાયત ( મા.મ )વર્તુળ,નર્મદા ભવન,બ્લોક-સી, ત્રીજો માળ,વડોદરા ખાતે રજૂઆત કરાતા સંતરામપુર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કર્મચારીઓમાં અફડા તફડી મચી જવા પામી હોવાનું જાણવા મળે છે. તેમજ અરજદાર દ્વારા આગામી સમયમાં રાજ્યકક્ષા સુધી રજૂઆત થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
જાણવા મળેલી વિગતો મુજબ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા નાયબ કાર્યપાલક ઇજનેર ( પંચાયત )મા.મ પેટા વિભાગ સંતરામપુર દ્વારા રસ્તાઓની કામગીરીમાં વ્યાપક પણે ગેરરીતી આચરવામાં આવતી હોવાની બૂમો ઉઠતા એક નાગરિક દ્વારા 24 ઓક્ટોબર-24 ના રોજ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગેલ હતી.પરંતુ નાયબ કાર્યપાલક ઇજનેર( પંચાયત ) પેટા વિભાગ સંતરામપુરના ઓએ 21 નવેમ્બર- 2024 ના રોજ મોટાભાગની માહિતી છુપાવી અને ઘડી કાઢેલા નિયમો બતાવી અધુરી માહિતી આપતા અરજદારને અપીલમાં જવા મજબૂર બનવા પડેલ હોવાનું જાણવા મળે છે. તેમજ માંગવામાં આવેલ માહિતીમાં સંતરામપુર માર્ગ મકાન પેટા વિભાગમાં આવતા રસ્તાઓના જંગલ કટીંગ, ખાડા પુરાણના કામો માટેની માહિતી માંગેલ હતી.પરંતુ આ કામો તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર કરી ભ્રષ્ટાચાર આચરતો હોવા બાબતે અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જોકે આ માહિતી બાબતે કાર્યપાલક ઇજનેર પાસે અપીલ કરવામાં આવેલ હોવાનું પણ જાણવા મળે છે.
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ગોઠીબ ગામથી જાનવડની મુવાડી,સંજેલી તરફ જતા રસ્તાના કામમાં એસ્ટીમેન્ટ પ્રમાણે કામ થતું નહીં હોવાનું તેમજ ગોઠીબ,સંજેલી તરફ ચાલતા કામમાં એજન્સી દ્વારા ચોમાસામાં ચોમાસાની માટી સાફ કર્યા વગર અને એસ્ટીમેન્ટ મુજબની મેટલ સાઈઝમાં કામગીરી નહીં કરાતા તેની પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ છે.આવનાર સમયમાં અરજદાર દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરી ન્યાય મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.