*સંતરામપુર તાલુકાના ઉખરેલીની બાળકીને “વહાલી દિકરી યોજના”નો લાભ મેળવવા સ્થાનિક જવાબદારોની બેદરકારીથી અન્યાય થતા ઉચ્ચ સ્તરે રજૂઆત.*
*ઉખરેલીની બાળકીના વડીલો દ્વારા”વહાલી દીકરી યોજના”નો લાભ મેળવવા સમયસર ડોક્યુમેન્ટની પૂર્તતા કરવા છતાં ચાર વર્ષથી ધરમ ધક્કા ખવડાવતા સ્થાનિક જવાબદારોના ઉડાઉ જવાબો?*
સુખસર,તા.21
રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓ દ્વારા કલ્યાણકારી કામગીરી કરવામાં આવી રહી છે.પરંતુ કેટલાક કિસ્સાઓમાં સરકારના પરિપત્ર મુજબ મહિલા અને બાળકોને મળવા પાત્ર લાભો સ્થાનિક જવાબદારોની બેદરકારીથી લાભાર્થીઓ વંચિત રહી જતા હોવાના કિસ્સાઓ પણ બને છે. તેવી જ રીતે વ્હાલી દિકરી યોજનાનો લાભ મેળવવા સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામની બાળકી છેલ્લા ચાર વર્ષથી તાલુકા-જિલ્લા કક્ષાના ધરમ ધક્કા ખાવા છતાં આજદિન સુધી લાભ નહીં મળતા તેની ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ દીકરીઓના જન્મ દરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળ લગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશથી વહાલી દિકરી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.જેમાં પતિ પત્નીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂપિયા બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.તેમજ દીકરીનો જન્મ તારીખ 2/8/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.તેમ જ નિયમો અનુસાર જે તે લાભાર્થી દીકરીની માતાના લગ્ન સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ જરૂરી છે.તેમ જ આ યોજનાનો લાભ પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
સરકારના પરિપત્ર મુજબ તારીખ 2/8/ 2019 કે તેનાથી પછી જન્મેલ દીકરીને વહાલી દિકરી યોજનામાં શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ લેતા સમયે રૂપિયા 4000, જ્યારે નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 6,000 મળવા પાત્ર છે.તેમજ આ બાળકીની 18 વર્ષની ઉંમર થતાં ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રૂપિયા 1 લાખની સહાય મળવાપાત્ર છે.જોકે સરકાર દ્વારા આપવામાં આવતી આ સહાયથી ગ્રામ્ય વિસ્તારના કેટલાક લોકો અજાણ હોવાનું અથવા તો સ્થાનિક જવાબદારો દ્વારા આ યોજના બાબતે બાળકીના માતા-પિતાને વાકેફ કરવામાં નહીં આવતા હોવાનું નકારી શકાય તેમ નથી.
આ યોજનાનો લાભ મેળવવા જે-તે દીકરીની જન્મ પછી એક વર્ષની મર્યાદામાં અરજી ફોર્મ આઈ.સી.ડી.એસ.કચેરીમાં તમામ ડોક્યુમેન્ટ સાથે આપવાના હોય છે. તેવી જ રીતે સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામની તેજસ્વી કુમારી સચિન કુમાર પરમાર નાઓ નો જન્મ તારીખ 1/7/2020 ના રોજ થયેલ છે.અને વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા તારીખ 26/11/2020 ના રોજ આઈ.સી.ડી.એસ શાખાના કર્મચારી કે જેઓ ઉખરેલી સેજાના મુખ્ય સેવિકા બેનને તમામ ડોક્યુમેન્ટની પુર્તતા કર્યા બાદ આપવામાં આવેલ હતા.સમય જતા આ લાભ માટે તાલુકા આઈ.સી.ડી.એસ શાખામાં તપાસ કરતા તેમનું ફોર્મ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવેલ હોવાનું જણાવેલ.તેમ છતાં આ યોજનાનો લાભ નહીં મળતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરનો સંપર્ક કરતા તમારી અરજી જિલ્લા કક્ષાએ આવેલ નહીં હોવાનું જણાવી સંતરામપુર તપાસ કરો ના જવાબો આપવામાં આવેલ હોવાનું લાભાર્થી બાળકીના વડીલો દ્વારા જાણવા મળેલ છે.
ઉપરોક્ત બાબતે ઉખરેલીની લાભાર્થી બાળકીને અન્યાય કરવામાં આવતા લાભાર્થી બાળકીના વડીલ નાનાભાઈ હીરાભાઈ પરમાર દ્વારા મહિલા અને બાળ વિકાસ કમિશનર તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ગાંધીનગર તેમજ મહીસાગર જિલ્લા કલેકટર,ડી.ડી.ઓ,પ્રોગ્રામ ઓફિસર સહિત સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી અને આઇ.સી.ડી.એસ શાખામાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.