
રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
દેવગઢ બારીયા ખાતે સ્વીપ હેઠળ મહેંદી કાર્યક્રમ યોજાયો
મહિલાઓએ મહેંદી થકી અનોખી રીતે મતદાન જાગૃત્તિનો સંદેશો પાઠવ્યો
દાહોદ તા. ૧
: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોમાં જાગૃતતા કેળવવા અનેકવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત સમગ્ર દાહોદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં નાગરિકો પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી રહી છે.
દેવગઢ બારીયા ખાતે આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સ્વીપ અભિયાન હેઠળ મહેંદી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૫૦૦ થી વધુ બહેનોએ મતદાનનો સંદેશો આપતી મહેંદી એકબીજાના હાથમાં અવનવી ભાતની મહેંદી મુકાવી અંદર મતદાન જાગૃતિને લગતા સૂત્રો લખી તેમજ ટીમલી નૃત્ય કરીને મહિલાઓએ અનોખી રીતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપી અચૂક મતદાનના શપથ લીધા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન પ્રાંત અધિકારીશ્રી જ્યોતિબા ગોહિલ, સી.ડી.પી.ઓ.શ્રી એમી જોસેફ, દેવગઢ બારીયા મામલતદારશ્રી સમીર પટેલ અને ધાનપુર મામલતદારશ્રી ડી. એન.મોદી ઉપસ્થિત રહ્યા હતા.