
ઈલિયાશ શેખ :- સંતરામપુર
લોકનાટય ભવાઈના માધ્યમથી મનોરંજન સાથે મતદાન જાગૃતિનો સંદેશ..
સંતરામપુર તા. ૨૯
લોકસભા ચુંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે ત્યારે જ્યાં લોકોની વધુ અવરજવર રહે તેવા વિસ્તારમાં લોકનાટય ભવાઈના માધ્યમથી મનોરંજન સાથે મતદાર જાગૃતિ કરવામાં આવી રહી છે. લુણાવાડા બસસ્ટેન્ડ ખાતે લોકગાયક જગદીશ બારોટ અને તેમના ગ્રુપ દ્વારા ભવાઈ વેશના પાત્રો દ્વારા યાત્રિકોમાં મતદાર જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો.
નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એમ એસ મનાતે જણાવ્યું હતું કે લોકસભા ચુંટણીમાં વધુમાં વધુ મતદાન થાય મતદારો જાગૃત બની મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર નેહાકુમારી માર્ગદર્શનમાં અનેક નવતર પહેલથી મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે આ કાર્યક્રમોને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે જેના ભાગરૂપે જિલ્લામાં ત્રણે વિધાનસભા વિસ્તારમાં લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર બસ સ્ટેન્ડ ખાતે લોકનાટય ભવાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી ૭મી મે મતદાન દિવસે મતદારો અચૂક મતદાન કરે તેવો સંદેશ આપવામાં આવી રહ્યો છે.