
કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડના ભીલપાનીયા ગામે ચોરીના ઈરાદે આવેલો 1 શખ્સ રંગેહાથ ઝડપાયો, 2 ફરાર..
સીંગવડ તા.12
દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના પહાડ ગામે મકવાણા ફળિયામાં રહેતા એક વહોરા વેપારીના ઘર તથા દુકાનમા રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ કરનાર 3 તસ્કરો પૈકીનો 1 તસ્કર ગ્રામજનોના હાથે પકડાઈ જતા તેને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યા હતો, તેમજ બાકીના 2 તસ્કરો ફરાર થઈ ગયા હતા.
સીંગવડ તાલુકાના ભીલપાનીયા ગામના યોગેશ પ્રવીણ મુનિયા, કલ્પેશ સનુભાઈ મુનિયા તથા નરેશ રયલા નિનામા એમ ત્રણેય જણા ચોરી કરવાના મક્કમ ઇરાદે ગત રાતે પહાડ ગામે મકવાણા ફળિયામાં ત્રાટક્યા હતા. અને મકવાણા ફળિયામાં રહેતા ઝુલ્ફીકારભાઈ યુસુફભાઈ દાઉદી વહોરા નામના વેપારીની દુકાન તથા મકાનને નિશાન બનાવી ઘર પર ચડી નળિયા તેમજ વાંસના લાકડાના કામઠા તોડી નાખી બાકોરૂ પાડી તે બાકોરા વાટે ઘરમાં પ્રવેશવાની કોશિશ કરી હતી. તે વખતે રાતે ચાંદલા વિધિમાંથી તે રસ્તે પરત આવી રહેલા ભરતભાઈ શકુડાભાઈ બારીયા, દિનેશભાઈ કાળુભાઈ બારીયા, અનિલભાઈ પ્રકાશભાઈ જયસ્વાલ તથા પંકેશભાઈ સોમાભાઈ ડીંડોર વગેરે તસ્કરોને ઝુલ્ફીકારભાઈના મકાનમાં પ્રવેશતા જાઈ લેતા તેઓ ચારે જણાઓએ બૂમાબૂમ કરી મુકી હતી.જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. તે જાઈ તસ્કરો અંધારાનો લાભ લઈ નાશવા જતા ગ્રામજનોએ તસ્કરોનો પીછો કરી ત્રણ તસ્કરો પૈકીના યોગેશ પ્રવીણ મુનિયાને લોકોએ ઝડપી પાડ્યો હતો. અને તેને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે કલ્પેશ શનુ મુનિયા તથા નરેશ રયલા ભાઈ નીનામા અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ સંબંધે પહાડ ગામના મકવાણા ફળિયામાં રહેતા ઝુલ્ફીકારભાઈ યુસુફભાઈ દાઉદી વહોરાએ નોંધાવેલી ફરિયાદને આધારે રણધીકપુર પોલીસે ઘરફોડ ચોરીના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.