જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ જિલ્લામાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા:આજે નવા 128 કોરોના સંક્રમિત દર્દીનો ઉમેરો:વધુ 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા
ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો રાફડો ફાટયો: દાહોદ ગ્રામ્ય ઝાલોદ, દેવગઢબારિયા તેમજ ગરબાડા માંથી બે આંકડામાં કેસો નોંધાયા
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લામાં આજે ૧૨૮ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યાં હતાં. આજે એકસાથે ૧૦ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વધતાં કેસોને પગલે જિલ્લાવાસીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે ત્યારે બીજી તરફ જિલ્લામાં કોરોના ટેસ્ટ કીટો ખુટી જવાના પગલે જિલ્લાવાસીઓને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૮૩૨ પૈકી ૯૬ અને રેપીટ ટેસ્ટના ૨૧૬ પૈકી ૩૨ મળી આજે કુલ ૧૨૮ કોરોનાના દર્દીઓ નોંધાયાં છે. આ ૧૨૮ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૮, દાહોદ ગ્રામ્યમાંથી ૦૮, ઝાલોદ અર્બનમાંથી ૧૦, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૮, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૭, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૧૬, લીમખેડામાંથી ૦૫, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૧૩, ધાનપુરમાંથી ૧૦, ફતેપુરામાંથી ૧ અને સંજેલીમાંથી ૧૦ કેસનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં કોરોનાના ફરી કેસો વધી રહ્યાં છે ત્યારે બીજી તરફ જિલ્લામાં કોરોના રેપીટ ટેસ્ટની કીટો ખુટી જવાની લોક બુમો વચ્ચે સરકારી દવાખાના, પીએચસી સેન્ટર, કોરોના બુથો શોભાના કાઠીયા સમાન બની રહ્યાં છે. તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે ટેસ્ટ કીટોની વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે બીજી તરફ આજે વધુ ૧૦ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવતાં કુલ મૃત્યું આંક ૨૯૦ને પાર થઈ ગયો છે. એક્ટીવ કેસોની વાત કરીએ તો એક્ટીવ કેસોની પણ સંખ્યા વધીને ૮૪૧ ને પાર થઈ ગઈ છે ત્યારે રાહતના સમાચાર એ છે કે, આજે વધુ ૧૧૨ દર્દીઓએ કોરોથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૫૬૭૨ને પાર થઈ ગયો છે.
—————————————