*દાહોદ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી થશે*
(પ્રતિનિધિ ). સુખસર,તા.31
ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સુત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૦૧/૦૮/૨૦૨૩ થી તા.૦૭/૦૮/૨૦૨૩ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. નારીશકિત માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયભરની મહિલા અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દાહોદ દ્વારા તા.૧લી ઓગષ્ટના રોજ “મહિલા સુરક્ષા દિવસ”, તા. ૨જી ઓગષ્ટના રોજ “બેટી બચાવો બેટી પઢાઓ”, તા. ૩જી ઓગષ્ટના રોજ “મહિલા સ્વાવલંબન દિવસ” તા. ૪થી ઓગષ્ટના રોજ “મહિલા નેતૃત્વ દિવસ”, તા. ૫મી ઓગષ્ટના રોજ “મહિલા કર્મયોગી દિવસ”, તા. ૬ઠી ઓગષ્ટના રોજ “મહિલા કલ્યાણ દિવસ” તા. ૭મી ઓગષ્ટના રોજ “મહિલા અને બાળ આરોગ્ય દિવસ” ની ઉજવણી કરવામાં આવનાર છે. તો દાહોદ જિલ્લાની મહિલાઓને બહોળા પ્રમાણમાં ઉપરોક્ત ઉજવણીના દિવસોમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવે છે.
