ડીમોલિશન અંગે શહેરમાં તરેહ તરેહની ચર્ચાઓ તેમજ અફવા બજાર વચ્ચે …
દાહોદની નગીના મસ્જિદ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વધુ એક મુદ્દત આપવામાં આવી…
દાહોદ તા.૦૮
નગીના મસ્જિદ વકબ બોર્ડ દ્રારા કરાયેલી રીટ પિટિશનમાં આજરોજ ગુજરાત હાઇકોર્ટે આજનો ચુકાદો અનામત રાખી વધુ સુનવણી માટે તારીખ ૧૦.૦૭.૨૦૨૨ સુનવણી અંગે તારીખ આપતા શહેરમાં પુનઃ એક વાર ડીમોલિશન અંગે તરેહ તરેહની ચર્ચાઓએ જન્મ લીધો છે. બીજી તરફ તકસાધુઓએ અફવા બજારને પણ ગરમ કરી દીધો છે.
સ્માર્ટ સિટી દાહોદમાં માર્ગ અપગ્રેડેશન અને અન્ય પ્રોજેકટને લઈને ચાલતી ડીમોલિશન કામગીરીમાં અનેક દૂકાનો અને મિલકતો જમીન દોસ્ત થવા પામી છે.આ ડીમોલિશનમાં સંબંધિતો દ્વારા ખોટી રીતે ભગિની સમાજ સામે આવેલી નગીના મસ્જિદ તોડી પડાઇ હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાં થયેલી રીટ પીટીશન મુદ્દે શહેરમાં તથા વહીવટી ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો હતો.તો સામાન્ય પ્રજાજનોએ બંધ બેસતી વાતો ચર્ચા સ્વરૂપે ચોરે અને ચોંટે શરૂ કરી હતી.પરંતુ તે સમયે ગુજરાત હાઇકોર્ટે કોઈ ટિપ્પણી કરવાનાં બદલે વધુ સુનવણી માટે આજની એટલે કે ૦૮.૦૬.૨૦૨૩ ની તારીખ આપી હતી. આજની તારીખે આ કેસ બોર્ડ પર આવતાં કોર્ટે આ અંગે વધુ સુનવણી આગામી તારીખ ૧૦.૦૭.૨૦૨૩ રાખવાનું ઠરાવ્યું હોવાનુ જાણમાં આવ્યુ છે. હાઈકોર્ટના અંતરંગ વર્તુળો દ્વારા જાણવા મળ્યા મુજબ સ્ટેટ ઓફ ગુજરાત, અને દાહોદના વહીવટી તંત્ર દ્વારા એક એફિડેવિટ પણ રજુ કરી હોવાનુ કેહવાઇ રહ્યુ છે. તો પીટીશનરો દ્વારા પણ બચાવ અંગે પણ દલીલો કરાઇ હતી. જોકે કોર્ટે આજે કોઇ ફેંસલો આપવાની જગ્યાએ આગામી ૧૦.૦૭.૨૦૨૩ ના રોજ વધુ કાર્યવાહી હાથ ધરવાનુ ઠરાવાતા વધુ એક મુદ્દત અંગે શહેરમાં પુનઃ એક વખત તરેહ તરેહની ચર્ચાઓએ જન્મ લીધો છે. તો કેટલાંક લોકોએ પોતાને બંધ બેસતી સ્થતિ પરિસ્થતિને તોડી મરોડી અફવા બજાર ગરમ કરવાનું શરૂ કર્યું હોવાનુ લોક ચર્ચાઓ દ્વારા પ્રતીત થવા પામ્યું છે. ત્યારે આ મુદ્દો હવે આગામી તારીખની રાહ જોઈ રહ્યો છે.
