
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં મેઘરાજા મહેરબાન:વીતેલા 24 કલાકમાં 61 મી. મી વરસાદ વરસ્યો: ધરતીપુત્રો ખુશખુશાલ
અસહ્ય ઉકળાટ અને બફારા બાદ મેહુલિયો વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
પંચકમાં આકાશી વીજળી પડતા બે મૂંગા પશુઓ મોતને ભેટ્યા : એક મહિલા ઇજાગ્રસ્ત
દાહોદ તા.૧૬
દાહોદ શહેર સહિત જિલ્લામાં ગતરોજ બપોરના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા હતા. દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર ૬૧ મી.મી વરસાદ ખાબક્યો હતો ત્યારે જિલ્લામાં અત્યાર સુધીનો કુલ વરસાદ 838 મી.મી નોંધાવા પામ્યો છે.
લગભગ હવે વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે તેમ કહીએ તેમાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય કારણ કે, છેલ્લા પંદર થી એક મહિનાના સમયગાળા દરમિયાન દાહોદ શહેર સહિત જિલ્લા વાસીઓએ અસહ્ય ગરમી તેમજ બફારા અને ઉકળાટ વચ્ચે દિવસો પસાર કર્યા હતા અને મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે છેલ્લા બે – ત્રણ દિવસની અંદર મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે ત્યારે ગતરોજ બપોરના બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં વીજળીના કડાકા અને ભડાકા સાથે તેમજ ભારે પવનના વચ્ચે સાથે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ૨૪ કલાકની અંદર દાહોદ જિલ્લામાં ૬૧ મી.મી વરસાદ નોંધાયો હતો જેમાં દાહોદ તાલુકામાં 27 મી.મી, ગરબાડા તાલુકામાં 03 મી.મી, ધાનપુર તાલુકામાં 0
01 મી.મી, દેવગઢ બારીયા તાલુકામાં 07 મી.મી, લીમખેડા તાલુકામાં 09 મી.મી, ઝાલોદ તાલુકામાં 04 મી.મી, ફતેપુરા તાલુકામાં 02 મી.મી, સંજેલી તાલુકામાં 03 મી.મી અને સિંગવડ તાલુકામાં 05 મી.મી વરસાદ નોંધાયો છે. દાહોદ જિલ્લામાં સારા વરસાદના પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ધરતી પુત્રો પણ ખેતી કામમાં જોતરાઈ ગયા છે ત્યારે ગઇકાલના વીજળીના કડાકા અને ભડાકાના વરસાદી માહોલ વચ્ચે અમુક જગ્યાએ આકાશી વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે જેમાં સીંગવડ તાલુકાના ધામણબારી ગામે અચાનક વીજળી પડતાં બે પશુઓનાં મોત નિપજ્યા છે જેમાં એક ગાય અને એક ભેંસનો સમાવેશ થાય છે અને આજ ગામમાં વીજળી પડવાના કારણે એક મહિલા પણ ગંભીર ઇજાગ્રસ્ત થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.