દાહોદ નગરપાલિકા દ્વારા કબ્રસ્તાનમાં પોલીસ બંદોબસ્ત સાથે માપણી સાથે રસ્તાનું માર્કિંગ કરાતાં ભારે ઉત્તેજના ફેલાઈ
મુસ્લિમ સમાજ અને વહીવટી તંત્ર વચ્ચે રસ્તાને લઇ છેલ્લા 13 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે
દાહોદ તા.18
દાહોદ શહેરમાં ગોધરા રોડ ઉપર કબ્રસ્તાનની જમીનના મુદ્દે પાલિકા અને મુસ્લિમ સમાજ વચ્ચે પાછલા 13 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે મંગળવારના રોજ સ્માર્ટસિટી, નગર પાલિકા અને મામલતદાર કચેરીના જવાબદારો દ્વારા માપણીની કામગીરી હાથ ધરી રસ્તા અંગેનું માર્કિંગ કર્યુ હતું.
માપણી ટાંણે રખાયેલો પોલીસ બંદોબસ્તજોઇને લોકોમાં ફરી એક વાર ઉત્તેજના સાથે ચર્ચાનો વિષય બન્યો હતો.દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં સિટી સર્વે નંબર 144 વાળી જમીનમાં પાલિકાએ વર્ષ 2010માં જાહેર રસ્તો કાઢવાનો પ્રયાસ કરતાં કેટલીક કબરોને નુકસાન થતાં મુસ્લિમ સમાજે આ બાબતનો વિરોધ કરી જમીન પોતાની માલિકીનો હોવાનો દાવો કર્યો હતો. જ્યારે પાલિકાના જવાબદારોએ તેઓ કેનાલ નજીકથી રસ્તો કાઢતા હોવાનો ખુલાસો કરતાં કેનાલ પણ કબ્રસ્તાનની જમીનમાં જ હોવાનો દાવો કરતાં વિવાદ સર્જાયો હતો.દરમિયાન જ સમાજના લોકો પાસે તળાવના તટે બનાવેલી દિવાલ તોડી નાખતા મોટુ ધિંગાણું પણ સર્જાયુ હતું. મંગળવારના રોજ સ્માર્ટસિટી, નગર પાલિકા અને મામલતદાર કચેરીના જવાબદારો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કેટલી જમીન સરકારી છે અને કેટલી મુસ્લિમ સમાજની તે અંગેની માપણી હાથ ધરી હતી. માપણી સાથે રોડનું માર્કિંગ પણ કરવામાં આવ્યુ હતું. કબ્રસ્તાનના રસ્તાના મુદ્દે અનેકો વખત માપણી થઇ ચૂકી છે ત્યારે મંગળવારે ફરી એક વખત માપણીની કામગીરી કરતાં ઉત્તેજના ફેલાઇ ગઇ હતી.
