
દાહોદ: મોરબી હોનારત બાદ સતર્કતાના પગલે પીટોલથી ગોધરા સુધી નેશનલ હાઈવેના ચાર જુના પુલોની ફિટનેસ મપાસે
હાઇવે ઓર્થોરિટી કહે છે દર દસ વર્ષે આમ કરીયે છીયે પણ મોરબીની ઘટના બાદ સતર્કતાના અહેવાલ(કેપ)
પીટોલથી ગોધરા સુધી નેશનલ હાઇવેના ચાર જુના પુલની મજબુતાઇ મપાશે..
11નવા જ્યારે 4 સ્ટેટ સમયના પુલ છે : ફીટનેસ ચેક કરવા માટે સંતરોડ પાનમ નદીનો જુનો પુલ બંધ કરાયો
નવા પુલ ઉપર વાહનોને ડાયવર્ટ કરાયા : દરરોજ 12હજાર વાહનોની અવર-જવર : સંતરોડ,નસીરપુર, ખંગેલા અને પુસરીના પુલનો સમાવેશ.
દાહોદ તા.16
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ રાજ્યમાં વિવિધ પુલોની મજબુતાઇ તપાસવાની કાર્યવાહીનો આરંભ થયો છે ત્યારે મધ્ય પ્રદેશના પીટોલથી માંડીને ગોધરા સુધીના નેશનલ હાઇવે ઉપર આવેલા વિવિધ નદી ઉપરના સ્ટેટ સમયના જુના પુલોની મજબુતાઇ પણ તપાસવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેના ભાગ રૂપે સંતરોડમાં પાનમ નદી ઉપર આવેલા જુના પુલને હાલ ટ્રાફિકની અવર-જવર માટે બંધ કરી દઇ ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. હાઇવો ઓર્થોરિટી દર દસ વર્ષે આ કાર્યવાહી કરતા હોવાનું કહે છે પરંતુ મોરબીના અકસ્માત બાદ મળેલા આદેશને કારણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાના અહેવાલ મળ્યા છે.
મધ્ય પ્રદેશના પીટોલથી માંડીને ગોધરા સુધી ઇન્દૌર-અમદાવાદ નેશનલ હાઇવે આવેલો છે. આ હાઇવે 87 કિમીનો છે. હાઇવે ઉપર દરરોજ 12 હજાર વાહનોની આવન-જાવન થાય છે. ત્યારે હાઇવેને નવો બનાવવામાં આવ્યો છે પરંતુ અહીં વિવિધ નદી ઉપરના ચાર પુલ સ્ટેટ સમયના હતા તે જેમના તેમ રહેવા દેવાયા છે. હાઇવે બન્યો તે સમયે પુલની સ્થિતિ સારી હોવાથી તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. થોડા સમય પહેલાં મોરબીમાં પુલ તૂટવાની બનેલી ગોઝારી ઘટનાના પગલે આખા રાજ્યમાં વિવિધ જુના પુલોની મજબુતાઇ તપાસવાના આદેશ કરવામાં આવ્યા હતાં. તેના ભાગ રૂપે પીટોલથી માંડીને ગોધરા સુધી 87 કિમીમાં આવેલા સ્ટેટ સમયના ચાર જુના પુલની પણ મજબુતાઇ માપવામાં આવનાર છે. આ પુલોમાં દાહોદ તાલુકાના નસીરપુર પાસે આવેલો દુધિમતિ નદી ઉપરનો પુલ, પુંસરી ગામમાં ખાનનદી ઉપરનો પુલ, પંચમહાલના સતંરોડમાં આવેલો પાનમ નદી ઉપરનો પુલ અને ખંગેલા કાળીનદી ઉપરના પુલનો સમાવેશ થાય છે. પુલોના ઇન્વેસ્ટીગેશનનો પ્રારંભ કરવાના ભાગ રૂપે સંતરોડની પાનમ નદી ઉપર આવેલા જુના પુલની મજબુતાઇ ચકાસવા માટેની કામગીરી શરૂ કરી 14મી તારીખથી જુનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. ટ્રાફિક યથાવત રહે તે માટે નેશનલ હાઇવે ઓર્થોરિટી દ્વારા નવા પુલ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. આ જુના પુલના ઇન્વેસ્ટીગેશન બાદ વારાફરતી અન્ય ત્રણ પુલો અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મધ્યપ્રદેશના પીટોલથી ગોધરા સુધી 87 કિમીમાં 15 નાના-મોટા પુલ
પીટોલથી માંડીને ગોધરા સુધીના 87 કિમીના નેશનલ હાઇવે ઉપર નાના-મોટા મળીને 15 પુલ બનાવવામાં આવ્યા છે. ગોધરાથી પીટોલ વચ્ચે નવો હાઇવે બનાવવામાં આવ્યો તે વખતે 11 પુલોનું નિર્ણાણ કરવામાં આવ્યુ હતું જ્યારે સ્ટેટ સમયના 4 પુલ જેમના તેમ રહેવા દેવાયા હતાં.
જેકોટ અને લીમખેડાના પુલ પણ રડારમાં
દાહોદ જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર આવેલા અને ટ્રાફિકનું ભારણ છે તેવા ચાર પુલ સાથે લીમખેડામાં હડફ નદી ઉપર આવેલા પુલ સાથે જેકોટમાં મંદીર પાસે આવેલું પુલ પણ રડારમાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હાઇવે બારોબાર નીકળતાં આ બંને પુલ બાયપાસ થઇ ગયા હતાં. લીમખેડાના પુલ ઉપર હાલમાં ટ્રાફિકનું થોડુ ભારણ રહે છે જ્યારે હવે જેકોટના પુલ ઉપર તો ટ્રાફિકનું બિલકુલ ભારણ રહ્યુ નથી. તે છતાય આ બંને પુલની મજબુતીનું પરિક્ષણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.