
રાજેશ વસાવે દાહોદ
સરકારની રમત ગમતને પ્રોત્સાહક નીતિઓ થકી દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યાં છે – શિક્ષણમંત્રી ડો. કુબેરભાઇ ડિંડોર
૦૦૦
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર દ્વારા આયોજીત સાંસદ ખેલ સ્પર્ધા (લોકસભા)નો દાહોદ નગરના સીટી ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડિંડોરે પ્રારંભ કરાવ્યો હતો. શિક્ષણમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શિક્ષણમંત્રીશ્રીએ સરકારની રમત ગમતને પ્રોત્સાહક નીતિઓ થકી દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું કે, દેશ આગામી વર્ષ ૨૦૩૬ માં ઓલમ્પિકની યજમાની કરવા જઇ રહ્યો છે ત્યારે અત્યારે ખેલાડીઓને જે રીતનું ઇજન મળી રહ્યું છે ગત ઓલમ્પિક કરતા પણ વધુ સારૂ પ્રદર્શન કરીને ખેલાડીઓ દેશને મેડલ મેળવી આપશે તેવો વિશ્વાસ શિક્ષણમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, ખેલ મહોત્સવના આયોજન થકી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં અનેક નવા ખેલાડીઓને પ્લેટફોર્મ પુરૂ પાડયું છે. સાંસદ ખેલ સ્પર્ધા થકી પણ વિવિધ સાંસદ મત વિસ્તારોમાં રમત ગમત અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણવામાં આવેલી ૭૨ અને ૬૪ કળાઓમાં ખેલનુ પણ સ્થાન છે. ત્યારે રમત ગમતની આ કળામાં આપણા ખેલાડીઓ ઉત્તમ પ્રદર્શન કરે એ માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સાંસદશ્રી દ્વારા આયોજીત સ્પર્ધામાં ૧૨ જેટલી રમતોમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો છે. દાહોદનાં ખેલાડીઓ ગત વર્ષે રાજ્યકક્ષાએ મેડલ જીતી લાવ્યા હતા. તેમ આ વખતે પણ મેડલ જીતી લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરીને તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, દાહોદનાં ખેલાડીઓ ખૂબ પ્રતિભાશાળી છે તેઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરીને દાહોદને ગૌરવ અપાવ્યું છે. વિધાનસભા કક્ષાની રમતોમાં પણ ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે ત્યારે આજની રમત સ્પર્ધામાં તેઓ સુંદર પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ રાજ્યમંત્રીશ્રીએ આપી હતી.
સાંસદ ખેલ સ્પર્ધાના આયોજક શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સરસ પ્રદર્શન કરી શકે એ માટેનું વાતાવરણ પુરૂ પાડયું છે. દાહોદનાં ખેલાડીઓ વિધાનસભા, લોકસભા વિસ્તાર જ નહીં રાજ્ય તેમજ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવીને આવે એ માટે વિવિધ રમત ગમતો થકી ઇજન અપાઇ રહ્યું છે. વિધાનસભા તેમજ લોકસભા કક્ષાની રમતોમાં ખેલાડીઓએ અદભૂત ઉત્સાહ સાથે ભાગ લીધો છે તેમ જણાવી સાંસદશ્રીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં મહાનુભાવોએ ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું મંચ ઉપરથી બહુમાન કર્યું હતું. મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો હતો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ વેળા ધારાસભ્ય સર્વે શ્રી શૈલેષભાઇ ભાભોર, શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી મહેશભાઇ ભૂરિયા, શ્રી રમેશભાઈ કટારા,શ્રી મહેન્દ્રભાઇ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા, એસપી શ્રી બલરામ મીણા, નગર પાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ, અગ્રણી શ્રી શંકરભાઇ અમલીયાર,નરેન્દ્રભાઇ સોની, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા, સહિતના અગ્રણીઓ તેમજ ખેલાડીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
૦૦૦