
શહેરમાં કાતિલ ઠંડીનું પ્રમાણ વધતા શહેરીજનો ગરમ વસ્ત્રોમાં કેદ..
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના પગલે દાહોદનો લઘુત્તમ પારો 10 ડિગ્રી સુધી ગગડતા ઠંડીનું જોર વધ્યું..
દાહોદ તા.03
દાહોદ જિલ્લામાં કાતિલ ઠંડીનું જોર વધતા સમગ્ર પંથક ઠંડુગાર બનવા પામ્યું છે. સુસવાટા ભર્યા પવન તેમજ ગાત્રો થીજાવતી ઠંડીના કારણે શહેરીજનો ગરમ વસ્ત્રોમાં કેદ થઈ જવા પામ્યા છે. ત્યારે સવાર સાંજ તાપણાઓ સળગતા જોવા મળી રહ્યા છે. દાહોદ શહેરનું સવારનું લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચતા શહેરના મુખ્ય માર્ગો સુમસામ ભાસતા નજરે પડી રહ્યાછે. તારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ થી સાત દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે તેમ જાણવા મળી રહ્યું છે.
ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા તેમજ ઉત્તર પૂર્વ ની દિશામાંથી ઠંડા પવનો ફુકાતા મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં તાપમાનનો પારો ગગડતા શહેર ઠંડુગાર બનવા પામ્યું છે. દાહોદ શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વધતા દાહોદનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યો છે જ્યારે મહત્તમ તાપમાન 20 થી 25 ડિગ્રી વચ્ચે ગગડી ગયો છે.શહેરમાં ઠંડા પવનો ફુકાતા તેમજ ગાત્રો થીજાવતી ઠંડી પડતા એક તરફ શહેરીજનો ગરમ વસ્ત્રોમાં કેદ થવા પામ્યા છે. તો બીજી તરફ ગરમ વસ્ત્રોની ખરીદીમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠંડીનો પ્રકોપ વધતા શહેરીજનો ઠેર-ઠેર તાપણા સળગાવી ઠંડીથી રાહત મેળવતા નજરે પડી રહ્યા છે. સવાર સાંજ તાપમાનનો લઘુત્તમ પારો ગગડતા શહેરના રાજમાર્ગો સુમસાન નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ થી સાત દિવસોં દરમિયાન પંથકનો લઘુત્તમ પારો 10 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે જેના પગલે ઠંડીનું જોર યથાવત રહેશે. હાલ તો દાહોદમાં કાતિલ ઠંડીનું જોર વધતા શહેરીજનો કાતિલ ઠંડીથી ઠુંઠવાઈ જવા પામ્યા છે.