
સમસ્યાના સમાધાન માટે સક્રિય..દાહોદમાં બંધ પડેલા બે રસ્તાઓની કામગીરી શરુ કરવા સત્તાધીશોમાં સળવળાટ,ધારાસભ્ય,કલેક્ટર,એસપી,પાલિકા પ્રમુખની જાત મુલાકાત
દાહોદ તા.23
દાહોદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ દાહોદના ધારાસભ્ય અને તેઓની સાથે દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા દાહોદ શહેરમાં બે જેટલા સ્થળોએ ચકાસણી કરવામાં આવી હતી. નવીન રસ્તાઓ કેવી રીતે બનાવીને ટ્રાફિક સમસ્યા હળવી કરી શકાય તેની ચર્ચા કરવામા આવી હતી.
દાહોદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. દાહોદ શહેરમાં કેટલાય સમયથી નગરજનો ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે. જેના નિવારણ માટે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,પાલિકા પ્રમુખ રીના પંચાલ,પક્ષના નેતા રાજેશ સહેતાઈ અને કલેક્ટર હર્ષિત ગોસાવી અને એસપી બલરામ મીણાંએ બે સ્થળોએ જાત મુલાકાત લીધી હતી.
જેમાં દાહોદ શહેરના એવા બે વિસ્તારો છે એમાં રોડ બનાવવા માટે કેટલાય પ્રશ્નો ઉભા છે.
રામાનંદ પાર્ક વાળા રસ્તામા તંત્રની ઢીલાશ જવાબદાર?!
જેમાં એપીએમસીથી રામાનંદ પાર્ક થઈને ઇન્દોર બાયપાસ માર્ગ સુધી જોડતા રસ્તાનો સળગતો સવાલ છે.આ રસ્તો બનાવવા માટે રામાનંદ પાર્કના ટ્રસ્ટીઓએ કરોડો રુપિયાની જમીન આપી દીધી છે.અડધો રસ્તો બની ગયો છે અને સરકારી મંજૂરી દસ્તાવેજોને આધારે મળી ગઈ છે તેમ છતાં ખાનગી જમીન માલિકોની આડોડાઈને કારણે કામ ખોરંભે પડેલા છે તેમ છતાં તંત્ર દ્વારા કડક પગલા કેમ ભરવામા આવતા નથી તે સંશોધનનો વિષય છે.જે તે સમયે જાહેરાત કરી વાહવાહી લૂંટનારા હવે અદ્રશ્ય થઈ ગયા છે તેવા સમયે આજે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ફરી સક્રિય થયા છે ત્યારે આંખના પલકારામા ઉકેલાય તેવો પ્રશ્ન હલ થવાની દિશા ઉજ્જવળ બની છે.
બસ સ્ટેશનથી ગોધરારોડના રસ્તાનુ કામ કેમ ઓલવાઈ ગયુ?
તેવી જ રીતે બસ સ્ટેશનથી કબ્રસ્તાન થઈ ગોધરા રોડનો રસ્તો જેનું કામ કેટલાય સમયથી બંધ છે. કેટલાક વર્ષો પહેલા અહીં રસ્તો બનાવવા વચ્ચે આવતા કાચા પાકા દબાણો પણ તોડવામા આવ્યા હતા.ત્યારબાદ આ કામગીરી જાણે હવામા ઓગળી ગઈ હતી.હવે ફરીથી સત્તાધીશોમાં સળવળાટ થયો છે ત્યારે આ વખતે પરિણામ મળશે તેમ લાગી રહ્યુ છે.કારણ કે દાહોદમાં હવે સત્તાધારી પક્ષના ધારાસભ્ય ચુંટાઈ આવતા જવાબદારોના કાન આમળનાર ઉપલબ્ધ થઈ જતા દાહોદવાસીઓને દિવા સ્વપ્ન બતાવનારાઓએ જવાબ આપવા પડશે. નહીતર આવનાર સમયમા પ્રજા ધારાસભ્યને પણ સવાલ પૂછશે.
સંકલનની બેઠકમા સવાલ થતાં પોલીસ આળસ મરડી જાગી
અગાઉ પણ તત્કાલિન જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા પણ આ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી.ઉપરાંત શહેરમા પાર્કિંગ પોઈન્ટ નક્કી કરવામા આવ્યા હતા પરંતુ ફરી પાછુ ઠેરનુ ઠેર થઈ ગયુ હતુ.પડાવ,સ્ટેશન રોડ,પડાવ ચોકી વાળો વિસ્તાર જ્યાં કલેક્ટર, એસપીએ પદયાત્રા કરી સ્થળ નક્કી કર્યા હતા પરંતુ પોલીસ વિભાગ દ્વારા કોઈ પાલન કરાવવામાં આવ્યુ નથી.ટ્રાફિક સમસ્યામા અસ્થાયી દબાણો અને આડેધડ પાર્કિંગ તેમજ ફક્ત કાગળ પર રહી જતા કલેક્ટરનાં જાહેરનામા કારણભૂત છે ત્યારે સંકલનની બેઠકમા ધારાસભ્યએ શહેરની વકરતી ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉઠાવતા આળસ મરડીને બેઠી થયેલી પોલીસે તુરત જ ટોઈંગ વાન બોલાવી,શહેરમા બેરીકેટ લગાવ્યા પણ હવે પોલીસ કેટલી જાગતી રહેશે તે આવનાર સમય જ બતાવશે.
————————–