
દાહોદ તાલુકામાં પોલીસની નાઈટ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરોનો આતંક..
દાહોદ તાલુકાના રાજપુર ગામે એક જ રાતમાં ચાર મકાનોને નિશાન બનાવી તસ્કરોએ 1.93 લાખની માલમત્તા પર કર્યોં હાથફેરો..
દાહોદ તા.20
દાહોદ તાલુકાના રાજપુર ગામે પોલીસની નાઈટ પેટ્રોલિંગ વચ્ચે ચોરીના મક્કમ ઈરાદા સાથે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ એક જ રાતમાં ચાર બંધ મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી 1.93 લાખની માલમત્તા પર હાથ ફેરો કરી નાસી છૂટવામાં સફળ રહ્યા છે ત્યારે તસ્કરો એ એકજ રાતમાં આર્ક સાથે ત્રણ બંધ મકાનોને નિશાન બનાવતા આસપાસના સ્થાનિકોમાં ભયનો. માહોલ જોવાઈ રહયો છે ત્યારે સાથે સાથે પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે
દાહોદ શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક તરફ વાહનચોર ટોળકી બેખોફ બની પોલીસની સઘન પેટ્રોલિંગ તેમજ પોલીસની તીસરી આંખ ગણાતા સીસીટીવી કેમેરાઓની સામે બિન્દાસ્ત પણે વાહન ચોરીની ઘટનાઓને અવિરત પણે અંજામ આપી પોલીસને હંફાવી રહ્યા છે.એક તરફ શહેર સહીત આસપાસના વિસ્તારોમાં વાહન ચોરીની ઘટનાઓ ડામવા માટે પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે ઘરફોડ તસ્કરો પણ પોલીસને નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનોએ બેખોફ રીતે અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.ત્યારે દાહોદ તાલુકાના રાજપુર ગામે તસ્કરોએ એક સાથે બંધ ચાર મકાનોને નિશાન બનાવી ભાગી છૂટવામાં સફળ રહ્યા છે. જેમાં રાજપુર ગામના નવાઘર ફળીયાના રહેવાસી ધનાભાઇ દલસીંગભાઈ ડામોરના બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ સોના ચાંદીના દાગીના મળી 53 હજારના માલમત્તા પર હાથ ફેરો કરી નજીકમાં આવેલા મનુભાઈ દલસીંગભાઈ ડામોરના ઘરનું તાળું તોડી મકાનમાં પ્રવેશ્યા હતા. અને તેમાંથી સોના ચાંદીના દાગીના મળી 45 હજારના માલમત્તા પર હાથ ફેરો કરી તેના બાજુમાં આવેલા લલિભાઇ સવસિંગ ભાઈ પરમારનાં મકાનનું તાળું તોડી સોનાચાંદીના દાગીના મળી 20 હજારની માલમત્તા પર હાથ ફેરો કરી નજીકમાં આવેલા કિશોરભાઈ બદીયાભાઈ મેડાના મકાનને નિશાન બનાવી સોના ચાંદીના મળી 75 હજારના મુદ્દામાલ પર હાથ ફેરો કર્યો હતો. તસ્કરોએ એકજ રાતમાં એક સાથે ચાર મકાનના તાળાઓ તોડી 1.93 લાખ ના મુદ્દામાલ પર હાથફેરો કરી રાત્રિના અંધારામાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હત. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ દાહોદ સહીત આસપાસના વિસ્તારોમાં વાહન ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી ત્યારે બીજી બાજુ ઘરફોડ તસ્કરોને પણ મોકલું મેદાન મળ્યું હોય તેમ એક જ રાતમાં ચાર જેટલાં મકાનોને નિશાન બનાવી બિન્દાસ્ત પણે ચોરીની ઘટનાને અંજામ આપતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવાઈ રહ્યો છે. તો બીજી તરફ પોલીસની ઢીલીનિતીની સામે પ્રજાજનોમાં રોષ લાગણી પણ ફેલાવા પામી છે. ત્યારે પંથકમાં વધી રહેલી ઘરફોડ તેમજ વાહન ચોરીને ડામવા માટે જિલ્લા પોલીસવડા કોઈ નક્કર એક્શન પ્લાન બનાવી અમલમાં મૂકી પંથકમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી પંથક વાસીઓને રંજાડતા અસામાજિક તત્વોને પાંજરે પુરે તેવી લાગણી તેમજ માંગણી પર્વતમાન સંજોગોમાં ઉઠવા પામી છે.