
દેવગઢ બારીયા તાલુકાના ભુતિયા ગામે રેતીના ઢગલા નીચે દબાઈ જવાથી ક્લીનરનું મોત..
દે. બારીયા તા.20
દેવગઢ બારીયા તાલુકાના ભૂતિયા ગામે રેતી ભરેલું ડમ્પર રસ્તામાં ઉભું રહી જતા ચાલક દ્વારા રેતી ખાલી કરવા ડાલુ ઊંચું કરતા તે સમયે અકસ્માતે ડમ્પરનું ડાલુ ક્લીનરને વાગતા ક્લીનર જમીન પર પટકાયો હતો અને તે સમયે ડમપર માંથી રેતીનો ઢગલો ક્લીનર પર આવી જતા ક્લીનરનું રેતીમાં દબાઈ જતા મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના નવાગામ ખાતેના રહેવાસી હિતેશ કમલેશભાઈ મોરી દેવગઢ બારીયા તાલુકાના ભૂતિયા ગામે GJ-20-X-3817 નંબરના ડમ્પર ચાલક જોડે ક્લીનર તરીકે ગયો હતો.જ્યાં રસ્તાના ચડાવમાં ડમ્પર ઉભૂ રહી જતા ચાલક ક્લીનર હિતેષભાઇને પાછળથી ડાલુ ખોલવા જણાવ્યું હતું.ત્યારબાદ હિતેશ ભાઈ પાછળનું ડાલુ ખોલવા જતા ચાલકે હાઇડ્રોલિક વડે રેતી ખાલી કરવા ડાલુ ઊંચું કરતા ડમ્પરનું ડાલુ હિતેષભાઇના માથામાં વાગવાથી હિતેષભાઇ જમીન પર ઢળી ગયા હતા. તે સમયે ડમ્પરમાંથી રેતીનો ઢગલો હિતેષભાઇ પર આવતા હિતેશ ભાઈનું રેતીના ઢગલામાં દબાઈ જવાથી મોત નીપજ્યું હતું.
ઉપરોક્ત બનાવ સંદર્ભે દેવગઢ બારીયા તાલુકાના સાગટાલા પટેલ ફળીયાના રહેવાસી મહેશભાઈ સવજીભાઈ કોળીએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દેવગઢ બારીયા પોલીસે ઉપરોક્ત બનાવ સંદર્ભે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે