Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લા સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા અંત્યોદય લોન યોજનામાં પણ લાખોનું કૌભાંડ..?

November 14, 2022
        2771
દાહોદ જિલ્લા સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા અંત્યોદય લોન યોજનામાં પણ લાખોનું કૌભાંડ..?

  બાબુ સોલંકી :- સુખસર

દાહોદ જિલ્લા સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા અંત્યોદય લોન યોજનામાં પણ લાખોનું કૌભાંડ..?

દાહોદ જિલ્લામાં વાલ્મિકી સમાજના સાચા લાભાર્થીઓને બાકાત રાખી મળતીયા લાભાર્થી ઓને અંત્યોદય યોજના હેઠળ લોન અપાવવા દાહોદ જિલ્લા સફાઈ કામદાર વિકાસ નિગમના જવાબદારો દ્વારા ભલામણ કરાતી હોવાની ફરિયાદો.

 સુખસર,તા.14

 દાહોદ જિલ્લામાં અનુસૂચિત જાતિ માટેના સમાજ કલ્યાણ શાખા તથા સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા વર્ષોથી હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે.તેમાં આંબેડકર આવાસ યોજના,સફાઈ કામદાર આવાસ યોજના, સામૂહિક આવાસ યોજના,માનવ ગરીમા યોજના,ગટર સફાઈ મશીન યોજના,સીધી લોન યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિના રોહિત, વણકર તથા વાલ્મિકી સમાજના સભ્યોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભોમાં છેલ્લા ત્રણેક વર્ષથી કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે.જેની તપાસ માટે જિલ્લા લેવલ થી લઇ કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો થતા જેની તપાસ સમાજ કલ્યાણ,વિજિલન્સ વિભાગ વડોદરાને તપાસ સોપ્યાને મહિનાઓ વિતવા છતાં તપાસ નહીં કરી જિલ્લા કક્ષાથી લઈ રાજ્યકક્ષા સુધીના જવાબદારો આ કૌભાંડને દબાવવાના બનતા તમામ પ્રયત્નો કરતા હોવાનું સ્પષ્ટ પણે જણાઈ આવે છે.

      જોકે દાહોદ જિલ્લામાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સરકાર દ્વારા મળતા વિવિધ લાભોમાં જિલ્લા કક્ષાથી લઈ રાજ્યકક્ષા સુધીના જવાબદારો દ્વારા સાચા લાભાર્થીઓને બાકાત રાખી મળતીયા અને લાગવગીયા લોકોને આ લાભો અપાવી સાચા લાભાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.જેમાં વધુ એક યોજના કે જે આંબેડકર અંત્યોદય યોજના હેઠળ વાલ્મિકી સમાજના સફાઈ કામદાર લાભાર્થીઓને અંત્યોદય યોજના હેઠળ ધંધાર્થે લોન આપવામાં આવે છે.જેમાં દાહોદ જિલ્લામાં વર્ષ-2021-22 માં હાલ સુધીમાં જે પણ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી છે તે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દાહોદ કચેરીના જવાબદારો દ્વારા ભલામણ કરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે.તેમાં અનેક લાભાર્થીઓ આગાઉ લોન મેળવી ચૂક્યા હોય તેઓ તેમજ તેમના પરિવારના સભ્યોના નામે ભલામણ કરી સાચા હકદાર લાભાર્થીઓને બાકાત રાખવામાં આવ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.ત્યારે વર્ષ-2021 થી હાલ સુધી જે જે વાલ્મિકી સમાજના સભ્યો માટે અંત્યોદય યોજના હેઠળ લોન માટે ભલામણ કરવામાં આવી છે તેમાં પસંદગી પામેલા લાભાર્થીઓ કે તેમના પરિવારના કોઈ સભ્ય દ્વારા અગાઉ લોન મેળવેલ છે કે કેમ?તેની ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવે તો દાહોદ જિલ્લા સફાઈ કામદાર વિકાસ નિગમ કચેરી તથા તેમના મળતીયાઓ દ્વારા વ્યવસ્થિત પણે વર્ષોથી આચરવામાં આવતા કૌભાંડ ઉપરથી આસાનીથી પડદો દૂર થઈ શકે તેમ છે.

      અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખા તથા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દાહોદ કચેરીના જવાબદારોની વિરુદ્ધમાં કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો થયેલ છે.જેની તપાસ વિજિલન્સ વિભાગને સોંપવામાં આવેલ છે.જેની તપાસ થઈ નથી.ત્યાં જ અનુસૂચિત જાતિના લોકોના લાભોમાં કરોડોના કૌભાંડો આચરી ચૂકેલા જવાબદારો સામે કોઈપણ જાતની તપાસ કે કાર્યવાહી કર્યા વિના ભ્રષ્ટ તંત્ર દ્વારા ભ્રષ્ટાચારના પોપડા દબાવવા અન્ય જગ્યાએ બદલી કરી દેવામાં આવી છે. જે બાબત પણ ઉડીને આંખે વળગે છે. અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિના રોહિત વણકર તથા વાલ્મિકી સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને સરકાર દ્વારા વિવિધ લાભો આપવામાં આવે છે.જેની છેલ્લા પાંચ વર્ષની તપાસ હાથ ધરવામાં આવે તો એક રાજ્યવ્યાપી મહાકૌભાંડ પ્રકાશમાં આવી શકે તેમ પણ જણાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!