લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા :31,000 ઉપરાંતની માલમતા પર હાથફેરો
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે આવેલ પ્રાથમીક શાળામાં અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરી રૂા. ૩૧,૭૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરો પ્રાથમીક શાળાઓને નિશાન બનાવી રહ્યાં છે અને માલસામાનની ચોરી કરી ફરાર થઈ જતાં હોય છે. શાળાઓમાં ચોરીની ઘટનાઓને પગલે શાળા સંચાલકોમાં આક્રોશ પણ ફેલાવા પામ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા તસ્કરોને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી પણ ઉઠવા પામી છે ત્યારે વધુ એક પ્રાથમીક શાળાને તસ્કરોએ નિશાન બનાવી છે જેમાં ગત તા.૨૭મી ઓગષ્ટના રોજ લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે તળાવ ફળિયા વર્ગ પ્રાથમીક શાળામાં રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ શાળાને નિશાન બનાવી શાળાના બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાેં હતો અને મકાનમાંથી એક લેપટોપ, એલ.ઈ.ડી. ટી.વી., મોનીટર, કિ – બોર્ડ વિગેરે મળી કુલ રૂા. ૩૧,૭૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે પ્રાથમીક શાળામાં ફરજ બજાવતાં અને લીમખેડા તાલુકાના અગારા (ઉ) ગામે નદી ફળિયામાં રહેતાં દિનેશકુમાર અમરસીંગભાઈ રાવતે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————-
