દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાંથી એક સાથે પાંચ મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોર ટોળકી સક્રિય બની છે અને આ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી આવી વાહન ચોરી ટોળકીને ઝડપી પાડવામાં આવે તો અનેક વાહનચોરીના ભેદ ઉકેલી શકાય તેમ છે.
વાહન ચોરીના વધતા બનાવોથી વાહન માલિકોમાં ફફડાટ સાથે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. ઘણી જગ્યાએથી તો ધોળે દિવસે લોક મારી પાર્ક કરેલ તો ઘરના આંગણે વાહનો ચોરી થવાના બનાવો પણ બનવા પામ્યા છે. દાહોદ જિલ્લામાં સક્રિય થયેલ વાહન ચોરો સામે લાલ આંખ કરી આવી ટોળકીને તાત્કાલિક ઝબ્બે કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવે તેવી લાગણી અને માંગણી વહેતી થવા પામી છે ત્યારે બીજી તરફ લીમખેડા નગરમાંથી એક સાથે પાંચ મોટરસાઈકલોની ઉઠાંતરી થયાના સમાચાર વાયુવેગે જિલ્લામાં વહેતા થતાં વાહન માલિકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. લીમખેડા નગરમાં રહેતા શૈલેષકુમાર રણજીતસિંહ ખાંટ, ગણપતભાઈ, દિપકભાઈ, પ્રગ્નેશભાઈ અને સંકેતકુમાર આ પાંચેય વ્યક્તિઓની મોટરસાઈકલ એક સાથે કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ જતાં આ સંબંધે શૈલેષકુમાર રણજીતસિંહ ખાંટ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.